News of Sunday, 26th October 2025
ગિરનાર પર્વત પર હવે ધર્મરક્ષાનો 'ડિજિટલ કવચ': તોડફોડની ઘટના બાદ સંતોએ લીધો મોટો નિર્ણય, સમગ્ર ડુંગર CCTVથી સજ્જ કરાશે
સનાતન અને જૈન ધર્મના સંતો એક મંચ પર: સૌહાર્દ સાથે સુરક્ષાની પ્રતિજ્ઞા; જૈન સંતોએ તત્કાળ રૂ.૨૫ લાખનું યોગદાન જાહેર કર્યું.

જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખરના મંદિરમાં તાજેતરમાં થયેલી તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ગંભીર ઘટના બાદ આજે સનાતન અને જૈન ધર્મના સંતો-મહંતોએ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૌરક્ષનાથ આશ્રમ ખાતે પોલીસ અધિકારીઓના સન્માન સમારોહમાં સંતોએ સર્વસંમતિથી જાહેરાત કરી કે, ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગિરનાર પર્વત પરના તમામ ધાર્મિક સ્થળોએ સ્વખર્ચે આધુનિક CCTV કેમેરા લગાવવામાં આવશે.
તોડફોડના કેસનો ભેદ ઉકેલવા બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે જૈન સંત નમ્રમુનિજી એ સનાતન અને જૈન સમાજ એક જ હોવાનો ભાવ વ્યક્ત કર્યો, જેને મહંત શેરનાથબાપુ (ગૌરક્ષનાથ આશ્રમ) અને કરશનદાસબાપુ (પરબધામ) સહિતના સંતોએ હર્ષભેર વધાવ્યો હતો.
ગિરનારની સુરક્ષાને મજબૂત બનાવવાના આ ભગીરથ કાર્ય માટે સંતોએ તાત્કાલિક આર્થિક યોગદાનની જાહેરાત કરી:
જૈન સંતો: તેમણે તત્કાળ રૂ. ૨૫ લાખનું માતબર યોગદાન જાહેર કર્યું.
સનાતન સંતો: ભવનાથ ક્ષેત્ર, સતાધાર, પરબ સહિતના તમામ સનાતન ધર્મના સંતોએ પણ આ કાર્યમાં યથાયોગ્ય આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી.
સર્વસંમતિથી લેવાયેલા આ નિર્ણય મુજબ, ગમે તેટલો ખર્ચ થાય, પરંતુ ગિરનારની મુખ્ય સીડી, પાછળની સીડી અને જંગલ સહિતનો સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાના કવરેજ હેઠળ લાવવામાં આવશે, જેથી ગિરનારની પવિત્રતા અને સુરક્ષા જળવાઈ રહે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
