<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

જામનગરમાં માસુમ બાળકીને શારીરિક અડપલાં કરનાર 61 વર્ષીય વૃદ્ધને પોલીસે ઝડપી લીધો

ચાર વર્ષની દીકરીને રમાડવાનું કહી ગાલ પર ચૂંબન કર્યું અને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી: ફરિયાદ મળતા પોલીસે CCTV આધારે આરોપીને દબોચી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

જામનગર: શહેરના પોશ વિસ્તાર ગણાતા પંચેશ્વર ટાવર નજીક રોડ પર 61 વર્ષના ઢગાએ માત્ર 4 વર્ષની બાળકીને શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના હાલ સામે આવી રહી છે. જોકે આ મામલે પોલીસને ફરિયાદ મળતા પોલીસે આસપાસના CCTVને આધારે તપાસ કરી આ 61 વર્ષના ઢગાને દબોચી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આ નરાધમ ઢગાની ઓળખ પ્રકાશદાન નામે થઈ છે, જે પંચેશ્વર ટાવર નજીક રોડ પર એક દુકાનના ઓટલે બેઠેલો હતો, ત્યારે અહીં મજૂરી કરતા એક પરપ્રાંતીય વ્યક્તિની માત્ર 4 વર્ષની કુમળી દીકરી સાથે આવું જઘન્ય કૃત્ય કર્યું હતું. ધરડો બાવાજી જેવા દેખાતા આ માણસે દીકરીને રમાડવાનું કહી તેને ગાલ પર ચૂંબન કર્યું હતું અને બાદમાં ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી.

આ અંગેની જાણ થતા જ ત્યાં સ્થાનિક એક વ્યક્તિ દોડી આવ્યો હતો અને દીકરીને છોડાવી હતી, ત્યારબાદ આ ઢગો ત્યાંથી ભાગી છૂટ્યો ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જે બાદ આ મામલે જામનગર સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 74,75(2) તથા પોક્સો એક્ટ કલમ 8,12 મુજબનો ગુનો દાખલ કર્યો હતો

 

(7:06 PM IST)