હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોડીનાર પંથકમાં તૈયાર પાક પલળતાં ખેડૂતો ચિંતાતુર

કોડીનાર, તા.૨૭: ગુજરાતના અન્નદાતાઓ પર વધુ એકવાર કુદરતનો કોપ ઉતર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને કોડીનાર પંથકમાં થયેલી તબાહીના દ્રશ્યો હૃદયદ્રાવક છે, જ્યાં તૈયાર પાક સંપૂર્ણપણે પલળી જતાં ખેડૂતો નિરાશામાં ગરકાવ થયા છે.
સામાન્ય રીતે સૂકા વાતાવરણમાં આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. જિલ્લાના મુખ્ય કળષિ પંથકોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. સૂત્રાપાડામાં સૌથી વધુ ૪ ઈંચ, જ્યારે વેરાવળ, ઉના અને કોડીનારમાં ૨ થી ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ વિસ્તારમાં સૌથી વધુ વાવેતર મગફળી અને સોયાબીનનું હોય છે. ખેડૂતોએ માંડ માંડ તૈયાર કરેલો મગફળીનો પાક કાઢીને ખેતરોમાં સૂકવવા માટે પાથરા સ્વરૂપે મૂકયો હતો. અચાનક આવેલો આ વરસાદ આ પાથરાઓ પર આફત બનીને વરસ્યો. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પલળી ગયેલી મગફળી હવે સડી જવાની ભીતિ છે અને પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. એટલું જ નહીં, લણણી માટે તૈયાર સોયાબીનના ઉભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
કોડીનારના ખેતરોમાં જોવા મળતી નિરાશાની સ્થિતિ વર્ણવતા એક ખેડૂતે આંખોમાં પાણી સાથે પોતાની વ્યથા ઠાલવી હતીઃ ૅઆ આખા વરસની મહેનત હતી. દેવું કરીને વાવેતર કર્યું હતું. રાતભર વરસાદ આવ્યો અને મગફળીના પાથરા સહિત બધું પાણીમાં ગયું. જુઓ, આખા ખેતરમાં પાણી ફરી વળ્યું છે. આ પાક હવે કોઈ કામનો નથી. હવે શું ખાવું ને શું જીવવું? આ વરસાદે અમારા અરમાન પર પાણી ફેરવી દીધું છે. ખેતીવાડીના પાક ઉપરાંત, આ ધોધમાર વરસાદે પશુપાલકોની ચિંતામાં પણ વધારો કર્યો છે. પશુઓ માટેનો જે ઘાસચારો સંગ્રહી શકાયો નહોતો, તે ખેતરોમાં પલળીને બરબાદ થઈ ગયો છે, જેના કારણે પશુધન માટે ઘાસચારાનો પ્રશ્ન વિકટ બન્યો છે. આટલું મોટું નુકસાન થવા છતાં લાચાર બની બેઠેલા ખેડૂતોની હવે એક જ આશા છે કે સરકાર તેમની વ્હારે આવે. ખેડૂતોની એકસૂર માંગણી છે કે, વિનાશકારી નુકસાનનો ત્વરિત અને પારદર્શી સર્વે હાથ ધરવામાં આવે અને તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
