જેતપુરમાં સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે વિરાટ સોમયજ્ઞનો કાલથી પ્રારંભ
બગી, ટ્રેકટરો, ગૌશાળાના બેન્ડ સાથેની ભવ્ય શોભાયાત્રામાં ધારાસભ્ય જોડાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૭: જીવમાત્રના સુખ, સમળદ્ધિ, કલ્યાણ અર્થે યોજાતા સોમ યજ્ઞનો શહેરમાં બીજી વખત આવતી કાલથી ભવ્ય શોભાયાત્રાથી પ્રારંભ થશે.
શહેરમાં બીજી વખત અને ભારત ભરમાં ૧૨ મા શ્રી વિરાટ વાજપેય મહા સોમ યજ્ઞ મહોત્સવ તથા શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન અગ્નિહોત્રી દીક્ષિત પૂ. ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી તથા દીક્ષિત પત્ની અ. સૌ. પૂ. શ્રી જાનકી વહુજીના સર્વાધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના મુખ્ય યજમાન પદે યોજાશે.
પુ. પૂ. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી સાગ્નિચિત દીક્ષિત નિત્ય અગ્નિહોત્રી છે. તેઓ શ્રી વૈદિક પરંપરા અનુસારનું અગ્નિહોત્ર નિત્ય સૂર્યોદય અને સૂર્યાસ્તેના સમયે કરે છે. આપશ્રી વૈદિક પરંપરા અનુસારનું આચરણ અને વૈદિક કર્મમાં પણ અપાર રુચિ ધરાવે છે.
આવતી કાલ તા. ૨૮ ના રોજ સાંજે ૫ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શોભાયાત્રા નો પ્રારંભ થશે જેમાં બગી, જીપ, દશ જેટલા શણગારેલ ટ્રેકટરો, પ્રસિદ્ધ બોરડી સમઢિયાળા ની ગૌશાળાની બેન્ડ પાર્ટીમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ શહેરના આગેવાનો, બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે જે મુખ્ય માર્ગ પર થી રાજવાડી પાછળ, જૂનાગઢ રોડ, બી.એ.પી.એસ. મંદિર સામે, યજ્ઞશાળા ખાતે પહોંચશે. આ વિરાટ વાજપેય મહાસોમ યજ્ઞની વૈદિક અને શાસ્ત્રોત મંત્રોચ્ચાર સાથે વિધિ ખાસ દક્ષિણ ભારતના ૨૦ પંડિતો દ્વારા કરવામાં આવશે. આ સોમ યજ્ઞનો લાભ લેવા શહેર અને બહાર ગામના અગ્રણી આગેવાનો, રાજકીય અગ્રણીઓ વૈષ્ણવો સુરત, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ સહિતના ગામો માંથી વૈષ્ણવો ઉમટી પડશે.
શોભાયાત્રાના સફળ આયોજન માટે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનું બહુમૂલ્ય માર્ગદર્શન મળી રહ્યું છે. સમિતિ પ્રમુખ જયંતિભાઈ રામોલિયાના માર્ગદર્શન હેઠળ પ્રાગજીભાઈ, ઉમેશભાઈ પાદરીયા, સવજીભાઈ બુટાણી, હરેશભાઈ ગઢીયા, કેતનભાઇ રૂપારેલિયા, જયેશભાઈ સહિત ના તેમજ તમામ સમિતિ ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
