<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

આખર તારીખ સુધી આફતઃ ગુજરાતમાં માવઠાનો કહેર ચાલુ, આવતીકાલથી વરસાદના વિસ્‍તારમાં વધારો થશેઃરમેશ બસીયા

સૌરાષ્ટ્ર-કચ્‍છમાં ભારે વરસાદની આગાહી બે સિસ્‍ટમ્‍સની સિધી અસર

(જયેશ ભટાસણા) ટંકારાઃ ગુજરાતમાં ઓક્‍ટોબર મહિનાના અંત સુધી માવઠાનો કહેર યથાવત્‌ રહેવાની શક્‍યતા છે. હવામાન નિષ્‍ણાત રમેશ બસિયા (નાનાંખીજડીયા, ટંકારા)ના જણાવ્‍યા અનુસાર, આ માવઠુ હજુ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આવતી કાલે બે વાતાવરણીય સિસ્‍ટમ્‍સની સીધી અસરથી વરસાદના વિસ્‍તાર અને માત્રામાં વધારો થશે.અરબી સમુદ્રમાં રચાયેલું ડિપ્રેશન સિસ્‍ટમ્‍સ હાલ ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે અને ૩૦ ઓક્‍ટોબર સુધીમાં તે સૌરાષ્ટ્રના કાંઠા નજીક પહોંચી જવાની શક્‍યતા છે. આના પગલે સૌરાષ્ટ્ર, કચ્‍છ અને ગુજરાતના અનેક વિસ્‍તારોમાં હળવો થી મધ્‍યમ વરસાદ પડશે, જયારે કેટલાક વિસ્‍તારોમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ભારે વરસાદ પડી શકે છે.ખાસ કરીને રાજકોટ અને મોરબી જિલ્લાના વિસ્‍તારોમાં વરસાદની અસર વધુ રહેશે.

વાંકાનેર, ચોટીલા, સુરેન્‍દ્રનગર તેમજ મોરબીના રાજકોટ તરફના વિસ્‍તારોમાં આજ સાંજ સુધીમાં હળવો થી મધ્‍યમ વરસાદ પડવાની શક્‍યતા છે. કેટલાક વિસ્‍તારોમાં ૩૫ મીમી કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.

બીજી તરફ, બંગાળની ખાડીમાં વિકસિત વાવાઝોડું વધુ મજબૂત બની રહ્યું છે અને આજ સાંજ અથવા રાત્રે આંધ્રપ્રદેશના કાંઠે જમીન પર આવશે. ત્‍યારે પવનની ઝડપ ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. જોકે, આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ સીધી અસર થવાની નથી

(3:05 PM IST)