તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 29th October 2025
ગિરનારની પરિક્રમા પર વરસાદનું મોટું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ થયું : રૂટ પર પ્રવેશબંધી જાહેર
આ રૂટ પર ચાલી શકાય કે વાહનોને લઈ જઈ શકાય તેવી સ્થિતિ નથી: રસ્તાઓ પર અતિશય કીચડ જામી ગયો હોવાથી વાહનો ફસાઈ જવાનો મોટો ખતરો

જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનારની પરિક્રમા પર આ વર્ષે વરસાદને કારણે મોટું વિઘ્ન આવ્યું છે. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સતત વરસાદને લીધે પરિક્રમા રૂટના જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે. હાલમાં આ રૂટ પર ચાલી શકાય કે વાહનોને લઈ જઈ શકાય તેવી સ્થિતિ નથી. રસ્તાઓ પર અતિશય કીચડ જામી ગયો હોવાથી વાહનો ફસાઈ જવાનો મોટો ખતરો છે, જે યાત્રાળુઓની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
કલેકટરએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી રસ્તાઓ પરની કીચડની સમસ્યા દૂર ન થાય અને રૂટ ફરીથી સુરક્ષિત ન બને, ત્યાં સુધી પરિક્રમા રૂટ પર પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. અન્નક્ષેત્ર ચલાવતા અને ઉતારા મંડળના સભ્યોને પણ હાલ પૂરતો જંગલમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા જોગ વિનંતી કરવામાં આવી છે કે, જ્યાં સુધી તંત્ર તરફથી પરિક્રમા શરૂ કરવા અંગેની સૂચના ન મળે, ત્યાં સુધી કોઈએ રૂટ પર પ્રવેશ કરવો નહીં. સુરક્ષા હેતુથી કલેકટર રાણાવસીયાએ વૃદ્ધો અને બાળકોને હાલ પૂરતી પરિક્રમા ટાળવા અપીલ કરી છે. તંત્રએ આશા વ્યક્ત કરી છે કે જો 31 ઓક્ટોબરના રોજ વાતાવરણ અનુકૂળ રહેશે, તો જ પરિક્રમા શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. વરસાદે વિરામ લીધા બાદ અને તડકો નીકળતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાનો માર્ગ વહેલી તકે ખુલ્લો કરી શકાય.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
