તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
ટંકારાના લજાઇમાં યુપીના પિન્ટૂની હત્યા
ફેક્ટરી પાછળ કર્મચારીઓની કોલોનીમાં બનાવઃ દસ દિવસ પહેલા જ યુપીથી આવેલા અંગદ નામના શખ્સે માથામાં કોણી મારી બાદમાં આંખ પાસે લોખંડનો હુક ઝીંકી દીધોઃ સારવાર દરમિયાન રાજકોટમાં હત્યા

રાજકોટ તા. ૩૦: ટંકારાના લજાઇમાં ફેક્ટરીમાં નોકરી કરતાં મુળ યુપીના યુવાન પર યુપીના જ એક શખ્સે ચાર દિવસ પહેલા કંપની પાછળ આવેલા કર્મચારીના ક્વાર્ટરમાં હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ યુવાનનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. હુમલો કરનાર શખ્સ પણ યુપીનો વતની છે અને દસ બાર દિવસ પહેલા જ લજાઇ કામ કરવા આવ્યો હતો. પોલીસે હાલ તેને રાઉન્ડઅપ કર્યો છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળ કાર્યવાહી થશે.
જાણવા મળ્યા મુજબ લજાઇમાં આવેલી દેવ પોલીપેક કંપનીમાં કામ કરતો અને કંપનીના પાછળના ભાગે આવેલી કર્મચારી કોલોનીના રૂમમાં રહેતો મુળ યુપીનો પિન્ટૂ વર્મા (ઉ.વ.૨૫) ૨૭મીએ રાતે દસેક વાગ્યે પોતાના રૂમથી સામેના રૂમમાં રહેતાં યુપીના જ અંગદ નામના શખ્સની રૂમ પાસે ગયો ત્યારે અંગદે તેને માથામાં કોણી મારી પછાડી દીધા બાદ કંપનીમાં કામમાં વપરાતા સ્ટીલના હુકથી હુમલો કરી આંખ નીચેના ભાગે ઘા મારી દેતાં પિન્ટૂને ગંભીર ઇજા થઇ હતી.
ઇજાગ્રસ્ત હાલતમાં પિન્ટૂ બેભાન જેવો થઇ પડી ગયો હતો. બાદમાં તેને મોરબી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત રાતે તેનું મોત થયું હતું. ફેક્ટરી સંચાલકે સીસીટીવી કેમેરા ચેક કરતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં પિન્ટૂ ચાલીને પોતાના રૂમથી અંગદના રૂમ પાસે જાય છે ત્યારે અંગદ કંઇક બોલ્યા બાદ માથામાં કોણી મારી પિન્ટૂને પછાડી દેતો અને બાદમાં સ્ટીલના હૂકથી હુમલો કરતો દેખાયો હતો.
રાજકોટ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે જાણ કરતાં ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર પિન્ટૂ સાત આઠ મહિનાથી અહિ કામ કરવા આવ્યો હતો. તેના માતા અને એક પુત્ર વતનમાં રહે છે. પોતે અહિ એકલો રહી કામ કરતો હતો. પરિવારજનો યુપીથી આવ્યા બાદ ટંકારા પોલીસે વધુ કાર્યવાહી કરશે. (૧૪.૫)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
