<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

તળાજાના શેળાવદર ગામે નાળિયેરી પર વીજળી પડતા ભડકા સાથે સળગીઃ દિહોર, અલંગ પંથકમાં સૌથી વધુ વરસાદ

હમીપરા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડીઃ દીનદયાળ નગર, ઝૂંપડપટ્ટી, સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલમાં પાણી ભરાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૧: અરબી સમુદ્ર કિનારે તળાજા આવેલું છે.અરબી સમુદ્ર મા લો -ડિપ્રેશન સર્જાતા  જિલ્લામાં સૌથીવધુ વરસાદની અસર જિલ્લાની દરિયાઇ પટ્ટીના ગામડાઓ સહિતના તળાજા પંથકને થઈ હતી. કારતકમા કાળો કહેર અહીં આજે શબ્‍દ લોકોની જીભે વહેતો થયો છે.

 રાત્રે તાલુકાના શેળાવદર ગામે નાળિયેરીના વળક્ષ પર વીજળી પડતા પચાસેક ફૂટની ઉંચાઈ ધરાવતી નાળિયેરી ભડભડ સળગી ઉઠી હતી.મધ્‍યરાત્રિ બાદ તળાજામા એક ઝાપટું વરસી ગયા બાદ આજે વહેલી સવારના ૫.૩૦ થી પવનદેવ જેનું વાહન છે તેવા સ્‍વાતી નક્ષત્ર એ વરસવાનું શરૂ કરી દીધું હતું. જે અવિરત સાંજના ૬ કલાક સુધી કયારે ઝરમર તો કયારેક અનરાધાર સ્‍વરૂપે વરસી જતો હતો.

તાલધ્‍વજ ડુંગર પર વાદળોની સતત ચાદર ઢંકાયેલી જોવા મળતી હતી. દિવસનો મોટાભાગે ડુંગર વાદળોથી ઢંકાયેલો રહેતા હિલ સ્‍ટેશન જેવો માહોલ જોવા મળ્‍યો હતો.સરેરાશ તાપમાન ૨૪-૨૬ ડિગ્રી જેટલું રહ્યું હતું. વહેલી સવાર થીજ વરસાદ ના કારણે સ્‍થાનિક કે ગામડે થી ખરીદી કરવા કોઈ બજારમાં આવતું ન હોય સ્‍વયંભૂ કરફયુ જેવો માહોલ બજારનો જોવા મળ્‍યો હતો.

 દીનદયાળ નગર, મામલતદાર કચેરી સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્‍તાર, સરકારી આયુર્વેદીક હોસ્‍પિટલ સહિતના વિસ્‍તાર મા પાણી ભરાઈ જવાની સમસ્‍યાઓ સામે આવી હતી.દીનદયાળ નગર વિસ્‍તારના ઘરમાં પાણી ભરાઈ જતા રહીશોની મુશ્‍કેલીઓમા વધારો થયો હતો. સ્‍થાનિક લોકોએ પાણીનો નિકાલ થાય તેવી કાયમી વ્‍યવસ્‍થા કરવામાગ કરી હતી.

બીજી તરફ અલંગ સોસિયા મથાવડા ભારાપરા તરસરા ખંઢેરા  સરતાનપર ગોપનાથ પીઠલપુર ઝાંઝમેર ઘોઘાના ભાંખલ સહિતના વિસ્‍તારોમાં પરોઢ થીજ આશરે ત્રીસેક કિમિ પવન સાથે સાંબેલાધારે વરસાદે કહેર વર્તાવવાનું શરૂ કરી દીધેલ. જેના પગલે જ્‍યાં સ્‍થળ ત્‍યાં જળ જેવી સ્‍થિતિ સર્જાઈ હતી.વાદીઓના પાળા તોડી ને ખેતર વાડીઓ મા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.નદી નાળાઓ મા ધસમસતા પુરની સ્‍થિતિ ના કારણે અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોના રસ્‍તાઓ બંધ થઈ ગયા હતા.યાર્ડ ના પૂર્વ પ્રમુખ હરીભાઈ ઇટાળીયા એ આજના વરસાદ અને પવન ને ૧૯૮૨ ના વાવાઝોડા સાથે સરખામણી કરી હતી.ભાંખલ ગામના ગોપાલભાઈ ગોહિલ એ અલંગ થી લઇ ભાંખલ પટ્ટી ના ગામડાઓમા કેળા ની લુમો તૈયાર થઈ ગઈ હોય તેવી કેળ જમીન દોસ્‍ત થઈ જતા કરોડો રૂપિયા ની નુકસાન થયું હોવાનુ ખેડૂતો વતી જણાવ્‍યું હતુ.

તાલુકાના દિહોર, હમીરપરા, નેસવડ, ભદ્રાવળ, ટીમાણાં સહિતના અંતરિયાળ ગામડાઓના જે વરસાદી દ્રશ્‍યો સામે આવી રહ્યા હતા તે જોતા અહીં સવાર ના ત્રણેક કલાકમાં જ પાંચ ઈંચથી વધુ વરસાદ વરસી ગયા નો અંદાજ મળતો હતો. દિહોર ગામના રામજીમંદિર સુધી પાણી પહોંચી ગયું હતું. ઉતાવળી નદી મા પાણી આવતા અનેક રસ્‍તાઓ બંધ થઈ ગયા હતા.હમીપરા ડેમમાંથી પણ પાણીનો જથ્‍થો છોડવાની તંત્ર ને ફરજ પડી હતી.નેશિયા હબુકવડ ગામ વચ્‍ચે નો રસ્‍તો બંધ થઈ ગયો હતો.

સ્‍વાતિ નક્ષત્ર દરિયાના બદલે જમીન પર વરસ્‍યું

તળાજા ગાયત્રી મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણ આશીષભાઈ ત્રિવેદી એ વર્તમાન ચાલી રહેલા નક્ષત્ર વિશે જણાવ્‍યું હતુ કે હાલ સ્‍વાતિ નક્ષત્ર ચાલી રહ્યું છે.આ નક્ષત્રનું પાણી મઘા નક્ષત્રની જેમ સારું માનવમા આવે છે. જ્‍યોતિષ શાષા પ્રમાણે ૨૭ નક્ષત્ર પૈકી નું આ ૧૫ મુ નક્ષત્ર છે.અધિષઠાતું ગ્રહ રાહુ છે.નક્ષત્ર ના દેવતા વાયુદેવ છે.આ નક્ષત્ર મોટાભાગે દરિયામાં જ વરસી જતું હોય છે પરંતુ આ વખતે જમીન પર વરસી રહ્યું છે.

કપાસમાં ગુલાબી ઈયળ

સતત ત્રણ દિવસ વરસાદ ને લઈ ઈયળો ખદબદવા લાગી. તળાજા પંથકમાં સતત ત્રણ દિવસના વરસાદ ને કારણે કપાસ ના ઝીંડવા ફૂટી ને કપાસ વીણી શકાય તે રીતે બહાર આવી ગયો હતો તેમા હવે ઈયળો ખદ બદવા લાગી છે. કપાસિયા હવે અંદરજ ઉગવા લાગ્‍યા છે.સાંગાણાં ગામના ખેડુત એ જણાવ્‍યું હતુ કે હવે ન કપાસ વેચવા જેવો રહ્યો કે ન કપાસિયા.

(11:50 AM IST)