News of Friday, 31st October 2025
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના કાયમી કુલસચિવ તરીકે
ડો. આર. જી.પરમારે આજે વિધિવત ચાર્જ સંભાળ્યોઃ બીજી વખત રેગ્યુલર રજીસ્ટ્રાર બન્યા શિક્ષણ, સમાજ, યુનિવર્સિટી તથા વિદ્યાર્થીઓના હિતમાં સતત કાર્યરત રહેવાનો નવનિયુક્ત કુલસચિવે અકિલા સમક્ષ કોલ આપ્યો ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો.કીર્તીબા વાઘેલાએ ઓફિસ અવર્સ પહેલા સત્તાવાર રીતે ચાર્જ સોપ્યો : યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે નવનિયુક્ત કુલસચિવને અભિનંદન-શુભેચ્છા પાઠવ્યા

રાજકોટ, તા., ૩૦: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના નિયમિત કુલસચિવ તરીકે ડો. આર. જી. પરમારે આજરોજ વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. ગુજરાતના સૌથી અનુભવી અને સક્ષમ ગણાતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના વર્તમાન કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટસ ઓફિસર તથા વર્તમાન ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. કીર્તીબા વાઘેલાએ આજરોજ ઓફિસ અવર્સ પહેલા સત્તાવાર રીતે ડો. આર. જી. પરમારને રેગ્યુલર રજીસ્ટ્રાર તરીકેનો ચાર્જ સોપ્યો હતો. પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે નવનિયુક્ત કુલસચિવ ડો. આર. જી. પરમારને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતાં. ડો. આર. જી. પરમારે ચાર્જ સંભાળતાની સાથે જ નિયમ મુજબ ત્વરિત કામગીરી શરુ કરી દીધી હતી. નવનિયુક્ત કુલસચિવે શિક્ષણ, સમાજ, યુનિવર્સિટી તથા વિદ્યાર્થીઓના હિતમાં સતત કાર્યરત રહેવાનો અકિલા સમક્ષ કોલ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની શરૂઆતમાં ૨૦૧૬ ની સાલમાં પ્રથમ રેગ્યુલર રજીસ્ટ્રાર તરીકે સરકાર દ્વારા પ્રતિનિયુક્તિથી શ્રી આર.જી.પરમારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે ડો.ફીરોઝ શેખ, ડો.અતુલ બાપોદરા, ડો. ડી. એચ. સુખડીયા તથા ડો.મયંક સોનીએ અલગ-અલગ કાર્યકાળ માટે અંદાજે નવ વર્ષ સુધી યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવી હતી, જેમાં ડો.મયંક સોની સૌથી વધુ અંદાજે છ વર્ષ જેટલા સમય માટે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર રહ્યા હતાં. છેલ્લા ચાર દિવસથી યુનિવર્સિટીના કાર્યદક્ષ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટસ ઓફિસર ડો. કીર્તીબા વાઘેલા પાસે ઇન્ચાર્જ રજીસ્ટ્રારનો ચાર્જ હતો. નવનિયુક્ત રજીસ્ટ્રાર ડો. આર. જી. પરમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે તથા ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે રેગ્યુલર પોસ્ટ ઉપર યશસ્વી ફરજ બજાવેલ છે. ડો. આર. જી. પરમાર મો.૯૪૨૬૨ ૪૬૯૦૧ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (૪.૧૨)
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
