News of Friday, 31st October 2025
સોમનાથમાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.૨૭/૧૧/૨૦૨૫ થી ૦૧/૧૨/૨૦૨૫ સુધી યોજાશે કાર્તિકી પૂર્ણિમા મેળો
આગામી તા.૧ થી ૫ નવેમ્બર દરમિયાન નિર્ધારિત મેળો વરસાદી માહોલ અને હવામાન આગાહીને પગલે ભાવિકો અને મુલાકાતીઓના વ્યાપક હિતમાં કાર્તિક પૂર્ણિમા મેળો-૨૦૨૫ની તારીખોમાં ફેરફાર કરવાનો સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૩૧: શ્રદ્ધા અને લોકસંસ્કળતિના પાવનધામ એવા પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ ૧૯૫૫થી પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત કાર્તિક પૂર્ણિમા લોકમેળો-૨૦૨૫ કે જે આગામી તા.૧ થી ૫ નવેમ્બર ૨૦૨૫ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો હતો, આ મેળાને પ્રવર્તમાન અસામાન્ય હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તા.૨૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજવાનો મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રી સોમનાથ મંદિર સપૂર્ણ થયું અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું તે પુણ્ય દિન એટલે સંકલ્પ સિદ્ધિ દિવસ પર મેળાનું સમાપન થશે. કાર્તિકી પૂર્ણિમા પર્વે ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળામાં લાખોની સંખ્યામાં મુલાકાતીઓ પધારતા હોય છે. જેથી મુલાકાતીઓ, સ્ટોલ ધારકો અને વેપારીઓના સમગ્રલક્ષી હિતને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રી સોમનાથ મંદિરના કાર્યક્રમ
તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૧/૨૦૨૫ સુધી એટલેકે કાર્તિકી એકાદશી (દેવ ઊઠી એકાદશી) થી કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વ સુધી શ્રી સોમનાથ મંદિરના દર્શન, પૂજા-વિધિ અને આરતીના કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ યથાવત રહેશે તેમજ દર્શનનો સમય ૧ કલાક વધારીને રાત્રિના ૧૧:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેમજ તા.૦૫/૧૧/૨૦૨૫ ના રોજ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રે ૧૨:૦૦ વાગ્યે શ્રી સોમનાથ મહાદેવની મહાઆરતી યોજાશે અને રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી મંદિરમાં દર્શનનો લાભ મળશે.
અન્ય કોઈ પણ માહિતી કે વિશેષ અપડેટ માટે, સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org અને ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્કમાં રહેવા વિનંતી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
