<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ટંકારા નજીક ડેમી-૨ ડેમમાં ૨૦ વર્ષીય યુવાને ઝંપલાવ્યું : યુવાનની શોધખોળ ચાલુ

રાજકોટ-મોરબી હાઇવે પર ડેમમાં લજાઈ ગામના યુવાને પડતું મૂકતાં ચકચાર : યુવાનનું બાઇક મળી આવ્યું : પીઆઇ છાસિયાની ટીમ અને મોરબી ફાયરની ટીમ દ્વારા પાણીમાં શોધખોળ શરૂ : પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો

(જયેશ ભટાસણા દ્વારા), ટંકારા : ટંકારા નજીક આવેલા ડેમી-૨ ડેમ માં આજે સાંજે એક યુવાને ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવાનની શોધખોળ માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમો કામે લાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-મોરબી હાઇવે પર ડેમી-૨ ડેમના ૧૨ નાલેથી આશરે ૨૦ વર્ષીય યુવાને આજે સાંજે પડતું મૂક્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, આ યુવાન લજાઈ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પીઆઇ છાસિયાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ, મોરબી ફાયરની ટીમે પણ સ્થળ પર પહોંચીને ડેમના પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે. યુવાનનું બાઇક પણ ડેમ પાસેથી મળી આવ્યું છે.
આ દુઃખદ ઘટનાની જાણ થતાં યુવાનનો પરિવાર પણ તાત્કાલિક ડેમ પર પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાનના આ આત્યંતિક પગલા પાછળનું કારણ જાણવા મળ્યું નથી અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

(9:36 PM IST)