News of Saturday, 1st November 2025
લીલો દુષ્કાળ જાહેર ન કરો તો ભૂખ હડતાલ : ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાની સરકારને અપીલ : જુઓ વિડિયો
ખેડૂતોના ચાલુ પાક ધિરાણને 100 ટકા માફ કરવું જોઈએ : નરેન્દ્રભાઈ મોદી, ભુપેન્દ્રભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી સમક્ષ માંગણી : 15 તારીખ સુધીની મુદત આપી

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૧ : ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાએ એક વિડિયો સંદેશા દ્વારા રાજ્ય સરકારને તાત્કાલિક “લીલો દુષ્કાળ” જાહેર કરવાની અને ખેડૂતોને 100 ટકા વળતર આપવા માગણી કરી છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા 8 થી 9 દિવસથી ધ્રોલ સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
જાડેજાએ ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને કહ્યું કે, “હાલ ગુજરાતમાં લીલો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારે સમગ્ર રાજ્યને લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોના ચાલુ પાક ધિરાણને 100 ટકા માફ કરવું જોઈએ. આ મારી નમ્ર અપીલ છે.”
તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેમને ખેડૂતોના અનેક ફોન આવી રહ્યા છે અને ખેડૂતોએ પાક બગડવાના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
“મારે રોજ 20-25 ખેડૂતોના ફોન આવે છે, પરંતુ હું દરેકનો જવાબ આપી શકતો નથી. ખેડૂતો રડી રહ્યા છે. તેમનું દુઃખ હવે મારાથી સહન થતું નથી,” એમ જાડેજાએ ભાવુક અવાજમાં કહ્યું. હરિચંદ્રસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે જો સરકાર આગામી 15 દિવસમાં ધ્રોલ તાલુકાનું સર્વેક્ષણ કરીને ખેડૂતોને યોગ્ય વળતર જાહેર નહીં કરે, તો તેઓ પોતાના ગામ ખીજડીયા ખાતે પોતાની વાડીએ અન્નત્યાગ સાથે ભૂખહડતાલ શરૂ કરશે.
“જો 15 તારીખ સુધીમાં સરકાર લીલો દુષ્કાળ જાહેર નહીં કરે અને ખેડૂતોને વળતર નહીં આપે, તો હું મારી વાડીએ અન્નનો ત્યાગ કરીને ભૂખહડતાલ કરીશ,” એમ તેમણે જણાવ્યું. જાડેજાએ અંતમાં કહ્યું “ખેડૂતો આ રાજ્યનો આધારસ્તંભ છે. હું મારા ખેડૂત ભાઈઓનું દુઃખ વધુ જોઈ શકતો નથી. સરકાર તરત પગલાં ભરે, એ મારી નમ્ર અપીલ છે. જય જવાન, જય કિસાન.”
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
