<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

મોરબીમાં ફલેટમાં ફસાયેલ બાળકીને મિનિટોમાં જ બહાર કાઢતી ફાયર ટીમ

ત્રણ વર્ષની બાળકી ફલેટમાં હતીને મેઈન ડોર લોક થઈ ગયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧: મોરબી શહેરમાં અવની ચોકડી નજીક ત્રણ વર્ષની  બાળકી ફલેટમાં એકલી હતી ત્‍યારે અચાનક ફલેટનો મુખ્‍ય દરવાજો અંદરથી લોક થઈ જતા બાળકીના પરિવારજનો હાંફળા ફાફળા બની ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા કોલ કર્યાની ૧૬ જ મિનિટમાં ફાયર ટીમે રેસ્‍ક્‍યુ કરી બાળકને દરવાજો તોડી બહાર કાઢી હતી.

ફાયર કંટ્રોલરૂમમાં સાંજના ૬:૪૩ વાગ્‍યે કોલ આવ્‍યો હતો કે, અવની ચોકડી પાસે આવેલ ગુરુ પ્રેરણા એપાર્ટમેન્‍ટ, દર્શના ટાઉનશીપમાં ત્રણ વર્ષની નાની બાળકી ફલેટમાં અંદર એકલી છે અને કોઈ કારણોસર મેઈનડોર લોક થઈ ગયો છે. કોલ મળતા જ મોરબી ફાયર ટીમ ૬.પ૧ મિનિટે ઘટના સ્‍થળે પહોંચી હતી. બાદમાં સીડી વડે બીજા માળે રસોડાની બાલકનીમાં જઈ દરવાજો તોડી અને ૬:૫૯ વાગ્‍યે ધ્‍યાની નામની બાળકીને સહી સલામત બહાર કાઢી ત્‍વરિત કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

(11:15 AM IST)