<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની અનેક નદીઓ અને નાળાઓ છલકાયા :કામરોળ ગામ સંપર્ક વિહોણું

જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ:તળાજા, મહુવા અને ઘોઘાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મેઘરાજાની રમઝટ

ભાવનગર જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાની અનેક નદીઓ અને નાળાઓ છલકાયા છે, જેના કારણે જનજીવનને અસર થઈ છે. મોડી રાત્રે જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં તળાજા, મહુવા અને ઘોઘાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તળાજા તાલુકાના નવી કામરોળ ગામેથી પસાર થતી તળાજી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદી બે કાંઠે વહેતી થતાં ગામની બંને તરફ પાણી ભરાયા છે. જેના કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. છેલ્લા 48 કલાકથી નદી સતત વહેતી હોવાથી ગામના મોટાભાગના લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. તેમ છતાં આવશ્યક કામ અર્થે બહાર નીકળેલા ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે.

ગ્રામજનોની મુખ્ય ફરિયાદ એ છે કે, આ સ્થળે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી. ઓવરબ્રિજના અભાવે ચોમાસા દરમિયાન દર વર્ષે આ પ્રકારની વિકટ પરિસ્થિતિ સર્જાય છે. ગામજનોને જીવના જોખમે અવરજવર કરવી પડતી હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે સર્જાયેલી આ ગંભીર મુશ્કેલીને ધ્યાનમાં લઈને તળાજા તાલુકાના અસરગ્રસ્ત લોકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સખત માંગણી કરી છે.

 

(6:59 PM IST)