<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે SRPF ગ્રુપ ચેલા દ્વારા 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ

સૌએ એકતાના સૂત્રોચ્ચાર સાથે દોડ લગાવી રાષ્ટ્રભાવનાનું પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રીય એકતાનો મજબૂત સંદેશો આપ્યો

જામનગર: જામનગર સ્થિત SRPF ગ્રુપ-૧૭, ચેલા દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ‘રન ફોર યુનિટી’અને 'રાષ્ટ્રીય એકતા દિવસ શપથ' લેવડાવવામાં આવ્યા હતા.
દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યે સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં જૂથના સેનાપતિ કોમલ વ્યાસના માર્ગદર્શન તથા મદનીશ સેનાપતિના અધ્યક્ષ સ્થાને તમામ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ એકતાના સૂત્રોચ્ચાર સાથે દોડ લગાવી રાષ્ટ્રભાવનાનું પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રીય એકતાનો મજબૂત સંદેશો આપ્યો હતો.
રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ તા. ૩૦ ઓક્ટોબર ના રોજ SRPF જુથ-૧૭, ચેલા ખાતે શૌર્યપૂર્ણ વાતાવરણમાં શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે સેનાપતિશ્રી દ્વારા કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવડાવવામાં આવ્યા. સેનાપતિશ્રીએ આ અવસરે દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી, સૌને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબની દૂરંદેશી અને અડગ કાર્યોને કારણે જ આજના અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું છે અને સૌને રાષ્ટ્રની એકતા અને સુરક્ષા જાળવી રાખવાનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો.

(5:17 PM IST)