<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ઉપલેટાના ધારાસભ્ય સમક્ષ પાનેલી મોટીના ખેડૂતોની રજૂઆત: કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનું વળતર અને ટેકાના ભાવે ખરીદીની માંગ:જુઓ વિડીયો

પાનેલી મોટી, ઉપલેટા (રિપોર્ટર દ્વારા):

આજ રોજ ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ધારાસભ્ય શ્રી તેમજ અન્ય હોદ્દેદારો સમક્ષ પાનેલી મોટી ગામના ખેડૂતોએ જોરદાર રજૂઆત કરી હતી.

 

ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકામાં વરસેલા અવિરત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક જેવા કે મગફળી, કપાસ, સોયાબીન, અળદ અને મગ વગેરેને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોએ માંગ કરી હતી કે, તાત્કાલિક ધોરણે સર્વે કરીને ખેડૂતોને વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

 

ટેકાના ભાવે ખરીદીની અનિશ્ચિતતા મુદ્દે સવાલો

વળતર ઉપરાંત, ખેડૂતોએ તૈયાર પાકને કમોસમી વરસાદથી થયેલી નુકસાની વાળો પાક પણ સરકાર દ્વારા ટેકાના ભાવે ક્યારે ખરીદવામાં આવશે અને ખેડૂત દીઠ કેટલો જથ્થો ખરીદવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

 

 

ખેડૂતોએ ગુજકોમસોલના  ડાયરેક્ટર દીલીપભાઈ સંઘાણીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારે શરૂ કરવી અને કેટલો જથ્થો ખરીદવો તે અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પરીપત્ર (જાણકારી) આપવામાં આવેલ નથી.

 

ડેમેજ થયેલો માલ રિજેક્ટ ન કરવાની ખાતરીની માંગ

 

પાનેલી મોટીના ખેડૂતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે તેમનો પાક ડેમેજ (નુકસાનગ્રસ્ત) થઈ ગયો છે. તેથી, જ્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે ત્યારે કોઈ પણ ખેડૂતનો માલ રીજેક્ટ ન થાય તેવી ખાતરી આપવામાં આવે. ખેડૂતોની આ ગંભીર રજૂઆત ધારાસભ્ય શ્રી અને અન્ય હોદ્દેદારો સમક્ષ કરવામાં આવી હતી અને તેમણે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.

 

(6:37 PM IST)