તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
ભવનાથ ભારતી આશ્રમના મહાદેવભારતીબાપુની બીજા દિવસે પણ કોઈ ભાળ નહિઃ સઘન શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૩: ભવનાથ ખાતેના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીબાપુ રવિવારે વહેલી સવારના ૩:૩૦ વાગ્યાના અરસામાં સુસાઇડ નોટ લખીને ગિરનારના જંગલ તરફ નીકળી ગયા બાદ તેની ભાળ નહી મળતા સંતો, સેવકો સહિતના લોકો ચિંતામાં મુકાઈ ગયાં છે.
બીજી તરફ પોલીસની જુદી જુદી ટીમે શોધખોળનો દોર વધુ સઘન બનાવી તપાસ વેગવંતી બનાવી છે.
ભારતી આશ્રમના ઈશ્વરાનંદ ગુરુ હરીહરાનંદ ભારતીબાપુએ ભવનાથ પોલીસ મથકને રવિવારે સવારે ૧૧ વાગ્યે જાણ કરી હતી કે, મહાદેવભારતી લઘુ મહંત ગુરુ હરીહરાનંદભારતી બાપુ સાધુ (ઉમર આશરે ૪૦, રહે. ભારતી આશ્રમ ભવનાથ જૂનાગઢ) સવારે ૩:૩૦થી ૪ વાગ્યા દરમિયાન પોતાની મેળે ભારતી આશ્રમથી ચાલીને ગુમ થયા છે.
રહસ્યમય રીતે લઘુ મહંત ગાયબ થઈ જવાની ઘટનામાં સીસીટીવી ફૂટેજથી એ હકીકત ખુલી હતી કે, મહાદેવ ભારતી આશ્રમમાંથી બહાર નીકળીને ડાબી તરફ વળ્યા પછી પ્રેરણાધામના રસ્તે થઈને ગિરનારના જંગલમાં નીકળી ગયા છે.
રવિવારની વહેલી સવારે ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી ૫ પેજની સ્યુસાઈડ નોટમાં હિતેશ, કુણાલ, પરમેશ્વર ભારતી અને અમદાવાદના નિલેશ ડોડીયા તથા રોનક સોનીના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે.
ભવનાથ પોલીસે આ સ્યુસાઈડ નોટ કબજે લઈને સંબંધિતોની પૂછપરછ આરંભી છે અને સાથે સાથે મહાદેવ ભારતીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી હતી. જોકે હજુ પોલીસ તપાસમાં પણ કોઈ નોંધપાત્ર પ્રગતિ નથી કે મહાદેવ ભારતીનો પણ કોઈ સગડ મળ્યા નથી. આથી પોલીસની જુદી જુદી ટીમે મહાદેવભારતીબાપુની ભાળ મેળવવા વધુ એડીચોટીનું જોર લગાવ્યું છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
