<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

મોરબીના લાલપર નજીક બે ડમ્‍પર વચ્‍ચે કારનો બુકડો બોલી ગયોઃ મહિલાનું મોત

માળીયામિયાણાના મોટાભેલા-ભાવપર વચ્‍ચે બાઈક સ્‍લીપ થતા યુવાનનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩: મોરબી-વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીકથી કાર પસાર થતી હતી ત્‍યારે બે ડમ્‍પર વચ્‍ચે કારનો બુકડો બોલી ગયો હતો કારમાં સવાર દંપતી અને બાળકને ઈજા પહોંચતા હોસ્‍પિટલ ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે જયારે પતિ અને બાળકને સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રહેવાસી રાવલ પરિવારના સભ્‍યો પોતાની સ્‍વીફ્‌ટ કાર જીજે ૩૬ એસી ૯૪૧૩ લઈને મોરબી તરફ આવતા હતા ત્‍યારે વાંકાનેર મોરબી હાઈવે પર લાલપર નજીક કારને અકસ્‍માત નડ્‍યો હતો. બે ડમ્‍પર વચ્‍ચે દબાઈ જતા કારનો કડુસલો બોલી ગયો હતો. કારમાં દંપતી અને બાળક સવાર હતા કારમાં સવાર ધારાબેન રાવલ તેમજ તેના પતિ અને બાળકને હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હતા સારવાર દરમિયાન ધારાબેનનું મોત થયું હતું બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ ચલાવી છે.

બીજા બનાવમાં માળિયા (મી.) ના સરવડ ગામે રહેતા ભાનુબેન કારાભાઈ મુછ્‍ડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો કિશોર મુછ્‍ડીયા (ઉ.વ.૩૫) વાળો ગત તા. ૦૫-૧૦-૨૦૨૫ ના રોજ સાંજના પોણા સાતેક વાગ્‍યે માળિયાના મોટા ભેલા ગામથી ભાવપર ગામ વચ્‍ચે બાઈક જીજે ૩૬ એએન ૯૬૫૩ લઈને જતો હતો અને ગાય માતાના મંદિર પાસે કાબુ ગુમાવતા બાઈક સ્‍લીપ થયું હતું. અકસ્‍માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન કિશોર મુછ્‍ડીયાનું મોત થયું હતું. માળિયા પોલીસે અકસ્‍માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:24 PM IST)