News of Monday, 3rd November 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ જિલ્લાના જૂથળ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો ચિતાર મેળવ્યો: પાણીધ્રા ગામે ખેડૂતો સાથે સંવાદ કર્યો
સરકાર ખેડૂતોની સાથે છે, વહેલી તકે સહાય જાહેર કરાશે : મુખ્યમંત્રી:રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પણ પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું: સરકારે ખેડૂતોને સહાયરૂપ બનવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે: પાણીધ્રા ગામે ખેડૂતોએ કહ્યું "મુખ્યમંત્રી - મંત્રીઓએ રૂબરૂ મુલાકાતો લઈને ખેડૂતોને સધિયારો આપ્યો

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કમોસમી વરસાદના પગલે ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામના ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા. બાદમાં પાણીધ્રા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ખેડૂતોને સધિયારો આપતા કહ્યું કે ખેડૂતોએ ખેતી પાક માટે ખૂબ મહેનત કરી છે. સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે. આ આપદામાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. ખેડૂતોને સહાયરૂપ બનવા માટે સરકાર ખેડૂતોની જોડે ઉભી છે. વહેલી તકે ખેડૂતોને મદદરૂપ બનવા માટે સહાય જાહેર કરાશે.
પાણીધ્રા ગામની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો સાથે ખેતરે સંવાદ સાધી સંવેદનાપૂર્વક તેમના પાક નુકસાની સહિત અન્ય મુશ્કેલીઓ જાણી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ મગફળીના પાકમાં થયેલી નુકસાનીનું પણ નિરીક્ષણ કર્યું હતું, આ ઉપરાંત આસપાસના ખેતરોમાં થયેલી નુકસાની અંગે ખેડૂતો, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયાએ પાક નુકશાનીનું નિરીક્ષણમાં કર્યું હતું.
પાણીધ્રા ગામે પ્રાથમિક શાળાના પરિસરમાં મોટી સંખ્યામાં ખેડૂતો મુખ્યમંત્રીને આવકારવા પહોંચ્યા હતા.
જ્યાં ગામના ખેડૂત દેવાભાઈ ભાદરકા એ કહ્યું કે, અમને રાજ્ય સરકાર પર વિશ્વાસ છે અને વહેલી તકે સહાય આપશે. અગાઉ પણ રાજ્ય સરકારે આવી સ્થિતિમાં મદદ કરી છે. જ્યારે કાંતિભાઈ પનારાએ પ્રતિભાવ આપતા મુખ્યમંત્રી સમક્ષ કહ્યું કે, અમે એક વર્ષ હારી ગયા છીએ પણ જિંદગી નહીં. રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને આજે મુખ્યમંત્રી ખુદ અમારા ગામમાં આવ્યા છે અને અમારા ખબર અંતર પૂછી ખેતી પાકની નુકસાનીની માહિતી મેળવી છે, તેથી અમને સધિયારો મળ્યો છે. લાખાભાઈ કડછા એ પણ પ્રતિભાવ આપી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પાણીધ્રા ગામે કમોસમી વરસાદથી જૂનાગઢ જિલ્લાના પ્રભાવિત ગામો અને ખેતી પાક નુકસાની પ્રાથમિક માહિતી આપી હતી. તેઓએ મુખ્યમંત્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીને સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાએ પણ પાક નુકસાનીના સ્થિતિ- સંજોગોથી અવગત કર્યાં હતાં.
મુખ્યમંત્રીની આ પાક નુકસાનીના નિરીક્ષણની મુલાકાત દરમિયાન અને પાણીધ્રા ગામે ખેડૂતો સાથેના સંવાદમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કારોબારી સમિતિના ચેરમેન દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, સ્થાનિક અગ્રણી દિલીપસિંહ સિસોદિયા, આસિસ્ટન્ટ કલેકટર પ્રતીક જૈન, અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, જયંતીભાઈ સેવરા, પાણીધ્રા ગામના સરપંચ હરેશભાઈ ડાભી, સહિત ખેડૂતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
