<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

‘સ્‍વસ્‍થ ગુજરાત, મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત' અભિયાનને બળ આપવા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વિશેષ પહેલ સુરેન્‍દ્રનગરમાં ‘યોગ સંવાદ' કાર્યક્રમ યોજાયો

 

વઢવાણ, ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોને યોગ થકી શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય તરફ પ્રેરિત કરવાના ઉમદા હેતુથી સુરેન્‍દ્રનગર ખાતે યોગ સંવાદ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિશેષ કાર્યક્રમ સુરેન્‍દ્રનગરના નમો કમલમ, ખેરાળી રોડ પાસે, રાજકોટ હાઈવે પર યોજાયો હતો. આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી ગાંધીનગરથી વર્ચ્‍યુઅલ માધ્‍યમ થકી જોડાયા હતા અને ઉપસ્‍થિત સર્વેને યોગના સર્વાંગી મહત્‍વ અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમ થકી નવા વર્ષના પ્રારંભે જીવનમાં સકારાત્‍મકતા અને ઉર્જા લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્‍યો હતો. આ સંદર્ભે બોર્ડ દ્વારા નવા વર્ષમાં તાણ નહીં, તરંગો..., દબાણ નહીં, દિવ્‍યતા લાવીએ...નું સૂત્ર જાહેર કરવામાં આવ્‍યું હતું, જેના દ્વારા લોકોને નિયમિત યોગ અપનાવવા માટે આહ્વાન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, શ્રીમતી અમળતાબેન માટલીયા, રમત ગમત અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ, જેલ અધિક્ષક ગોપાલભાઈ વણઝારા, બ્રહ્માકુમારી કોમલ દીદી, માનવ અધિકાર સંઘના  હસમુખસિંહ પરમાર, યોગ કોર્ડીનેટર મોનિકા ચુડાસમા, ગબરુભાઈ ભરવાડ, નીતાબેન દેસાઈ સહિત મોટી સંખ્‍યામાં યોગ કોચ, ટ્રેનર અને યોગ સાધકોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડે નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને મેદસ્‍વિતા મુક્‍ત અને નિરોગી ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો

(11:22 AM IST)