<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

કમોસમી વરસાદથી ખેત મજુરોની ૧૦ દિ'થી રોજીરોટી બંધઃ માંગરોળ પંથકમાં પાકને મોટુ નૂકશાનઃ આવતા વર્ષ માટેનું બિયારણ પણ ખરાબ થઇ ગયું

(નરેશ ગોસ્‍વામી દ્વારા) માંગરોળ, તા. ૪: માંગરોળ પંથકમાં પડેલા કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકમાં મોટુ નુકશાન થયું છે. કુદરતી આફત સમાન માવઠાંથી પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન ખડો થયો છે. ખેડુતોની ચાર માસની મહેનત પર એક જ ઝાટકે પાણી ફરી વળ્‍યુ છે. ત્‍યારે તાલુકાના ખેડુતોએ ‘જય જવાન, જય કિસાન', ‘ખેડુતોના દેવા માફ કરો', ‘પશુધન માટે ઘાસચારાની સહાય કરો'ના સૂત્રોચ્‍ચાર સાથે મામલતદારને આવેદન પાઠવ્‍યું હતું.

આ વર્ષે ચોમાસુ પાક સારો અને ગુણવત્તાસભર થવાની ખેડુતોની ધારણા હતી. પરંતુ છેલ્લા દિવસોમાં પડેલા કમોસમી વરસાદને લીધે ખેડુતોના મોં સુધી આવેલો કોળીયો છીનવાઈ જવા પામ્‍યો છે. નાનો ખેડુત પાયમાલી તરફ ધકેલાઈ ગયો છે. આવતા વર્ષ માટે રાખવાનું બિયારણ પણ ખરાબ થયું છે. માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને જી.પં. સદસ્‍ય વાલાભાઈ ખેર, પૂર્વ તા.પં. પ્રમુખ કાનાભાઈ રામ, પૂર્વ જીલ્લા પંચાયત ઉ.પ્ર. લક્ષ્મણભાઈ ભરડા, માંગરોળ ન.પા. પૂર્વ પ્રમુખ મો. હુસેનભાઈ જેઠવા, શહેર કોંગ્રેસ પ્રમુખ હારૂનભાઈ જેઠવા, જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કાસિબભાઈ શમા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં ખેડુતોએ મામલતદારને આવેદન પાઠવ્‍યું હતું.

જેમાં જણાવાયું હતું કે ભૂમિપુત્રોને મોટો આર્થિક ફટકો પડયો છે. જે પ્રમાણે આર્થિક નુકસાન થયું છે. તેની સામે સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજની સહાય ખુબ ઓછી છે. આ ઉપરાંત ખેડુતો પાક ધિરાણ ભરપાઈ કરી શકે તેમ ન હોવાથી પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે, ખેડુતોની સાથે ખેતી પર નભતા ગરીબ પરપ્રાંતિય ખેતમજૂરોને ઘરે બેસવાનો વારો આવ્‍યો છે. તેઓની રોજીરોટી ૧૦ દિવસથી બંધ છે. તેઓને કેશડોલ રૂપે આર્થિક મદદ કરવા, આખા વર્ષનો ચારો સંપૂર્ણ ખરાબ થઈ ગયો હોય ઘાસચારા વિતરણની વ્‍યવસ્‍થા કરવા, ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્‍ચેનું ભાવાંતર ચુકવવા, પાક વિમા યોજના કે પ્રધાનમંત્રી ફસલ યોજનાની ત્રુટી દુર કરી યોજના ફરી ચાલુ કરવા, સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયમાં વધારો કરવા સહિતની માંગ કરી હતી.

ખેડુતોના લડાયક નેતા વાલાભાઈ ખેરે જણાવ્‍યું હતું કે ખરીફ પાક નિષ્‍ફળ ગયો છે. ખેતરોમાં પાણી ભરેલા હોવાથી રવિપાકનું પણ વાવેતર થઈ શકે તેમ નથી. દેશનું પેટ ભરનાર જગતનો તાત અને પશુધન કપરી સ્‍થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્‍યારે ખેડુતોને દેવાદાર બનતા અટકાવવા પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની અમારી માંગણી છે. સાથે જ કળષિમંત્રીએ બે હેકટરે વીસ હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરી છે. આ તો ફક્‍ત એક વિઘાનો ખર્ચ છે. એક હેકટરે એક લાખ રૂ.ની સહાય હોવી જોઈએ. આ ઉપરાંત ખેડુતને બેઠો કરવા સરકારે ખોટા તાયફા અને ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ તેમ જણાવ્‍યું હતું.

(11:51 AM IST)