News of Tuesday, 4th November 2025
‘છોટી કાશી'ના કૈલાશ નગરમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણીઃ શાલિગ્રામ સ્વરૂપે ભગવાન વિષ્ણુની ઠાઠમાઠથી જાન જોડાઈ
મનોરથી પટેલ પરિવાર દ્વારા આયોજિત માંગલિક પ્રસંગમાં અનેક ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધોઃ ઠાકોરજીના આ દિવ્ય વરઘોડાથી પ્રભાવિત થઈ અનેક શ્રદ્ધાળુ ભક્તોએ રૂપિયાના દાનનો વરસાદ વરસાવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: દેવદિવાળી એટલે કે દેવઉઠી એકાદશીના પરમ પવિત્ર દિવસે, ‘છોટી કાશી' તરીકે વિખ્યાત જામનગર શહેર ભક્તિરસમાં તરબોળ થયું હતું. ગત રવિવારે, કારતક સુદ એકાદશીના શુભ અવસરે, શહેરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલ કૈલાશ નગરમાં વસતા બે મનોરથી પટેલ પરિવાર દ્વારા ‘તુલસી વિવાહ'ના ભવ્ય અને માંગલિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા વિવાહ સમારોહમાં, ભગવાન વિષ્ણુના બાલ સ્વરૂપ એવા શાલિગ્રામજીની ઠાઠમાઠથી જાન કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો હર્ષ અને ઉમંગ સાથે થનગની ઉઠ્યા હતા.
વરપક્ષ તરીકે, ભગવાન શાલિગ્રામની જાન લાલપુર બાયપાસ નજીક આવેલા સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં રહેતા પરિવારના નિવાસસ્થાનેથી વાજતેગાજતે પ્રસ્થાન થઈ હતી. આ જાનમાં ‘માં દર્શન ગૌશાળા'ની બેન્ડ પાર્ટીએ ગીત-સંગીતની એવી સૂરાવલિઓ વહાવી હતી, કે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઠાકોરજીના આ દિવ્ય વરઘોડાથી પ્રભાવિત થઈ, શ્રદ્ધાળુઓએ હજારો રૂપિયાના દાનનો રીતસર વરસાદ વરસાવ્યો હતો.
જાન બપોરે આશરે ચારેક વાગ્યે હરિયા કોલેજ ખાતે આવી પહોંચી હતી, જ્યાંથી કન્યા પક્ષના નિવાસસ્થાન એવા કૈલાશ નગર સુધી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં મહેમાનો અને ભક્તો દર્શનાર્થે જોડાયા હતા.
વિવાહ સ્થળે જાનૈયાઓના સ્વાગત માટે સુંદર રંગોળીઓ પૂરવામાં આવી હતી અને ભવ્ય આતશબાજી સાથે શાલિગ્રામ ભગવાનનું સામૈયું કરવામાં આવ્યું હતું. આ અલૌકિક લગ્ન સમારોહમાં, હિમાની લિંબાસિયાએ વિષ્ણુ ભગવાન સ્વરૂપ આભૂષણો ધારણ કરી પોતાના હાથમાં શાલિગ્રામ (ભગવાન વિષ્ણુનું સ્વરૂપ) ધારણ કર્યા હતા, અને જિયા ઠુંમરએ પવિત્ર તુલસીજીના છોડને ધારણ કર્યો હતો. આ બંને દ્વારા શાલિગ્રામ તથા તુલસીજીને પરંપરાગત શાષાોક્ત વિધિ મુજબ ફેરા ફેરવવામાં આવ્યા હતા. સમગ્ર લગ્ન પ્રસંગની વિધિ કર્મકાંડી બ્રાહ્મ ણો દ્વારા કરાવવામાં આવી હતી. અને શાષાોક્ત મંત્રોચ્ચાર વચ્ચે આ ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન થયો હતો.
આ પ્રસંગના આગલા દિવસે સાંજીગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સમગ્ર દિવ્ય લગ્ન સમારોહ દરમિયાન, જાનૈયા તથા માંડવાના (કન્યા) પરિવાર સહિત આશરે એક હજાર જેટલા ભાવિકો માટે ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌએ સાથે મળીને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
