તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે કચ્છમાં: માતાના મઢના દર્શન કરશે : ભુજમાં દોઢ લાખ નોટબુકથી સન્માન
વિશાળ કાર્યકર સંમેલન, જૂના જનસંઘી નેતાઓને મળશે, હસ્તકલા કારીગરો સાથે કરશે ચાય પે ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત કચ્છ આવી રહેલા જગદીશ વિશ્વકર્માને આવકારવા કચ્છ ભાજપમાં થનગનાટ વર્તાઈ રહ્યો છે. બપોરે વિમાન માર્ગે ભુજ એરપોર્ટ ઉપર પહોંચ્યા બાદ તેઓ કચ્છ કમલમમાં જૂના જનસંઘી આગેવાનો અને પાર્ટીના વરિષ્ઠ કાર્યકરો સાથે બેઠક યોજી સીધા માતાના મઢ જઈ માં આશાપુરાના દર્શન કરશે. ત્યાંથી પરત ભુજ આવશે ભુજમાં સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી સંતોને મળશે. ત્યાંથી બાઈક રેલી દ્વારા સ્મૃતિવન પહોંચશે. અહીં વિશાળ કાર્યકર સંમેલનનું આયોજન કરાયું છે. વિવિધ સંસ્થાઓ તેમ જ પાર્ટીના આગેવાનો, મંડલો દ્વારા સન્માન અને અભિવાદન કરાશે. અહીં વિશિષ્ટતા એ છે કે દોઢ લાખ નોટબુકો દ્વારા સન્માન કરાશે જે નોટબુકોનું બાદમાં આર્થિક નબળા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. તૈયારીઓને સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય, શીતલ શાહ સાથે અન્ય કાર્યકરો આખરી ઓપ આપી રહ્યા છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
