News of Wednesday, 5th November 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારોઃ જો કે બપોરે ગરમી યથાવત
માવઠામય વાતાવરણ વિખેરાયા બાદ હવે ધીમે-ધીમે શિયાળાની અસર શરૂ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો થઇ રહ્યો છે. જો કે બપોરે ગરમી યથાવત છે.
આ વખતે ગુજરાતમાં અત્યાર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતની આગાહી કરી છે કે, હવે ભારે વરસાદની આગાહી નથી, જ્યારે આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા પણ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના સૌરાષ્ટ્ર પર અપર એર સકર્યુલેશન સર્જાયેલું હતુ જે બાદ હવે લેસ માર્કમાં પરિવર્તિત થયું છે. આગામી ૭ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે. ૫મીથી ૧૦મી નવેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ દિવસોમાં વરસાદની કે ગાજવીજની કોઈ આગાહી નથી. હવામાન નિષ્ણાત અશ્રેયા શેટ્ટીએ કડકડતી ઠંડીનું અનુમાન કરતા જણાવ્યું છે કે, ગુરુવારથી શિયાળાનો અહેસાસ થવા લાગશે. શનિવાર સુધીમાં કડકડતી ઠંડી પડવાનું અનુમાન છે. તાપમાન ગગડીને ૧૦થી ૧૨ ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં ૧૪થી ૧૬ ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. ગુરુવારથી સવારે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, મહત્તમ તાપમાન ઘટીને ૨૬-૨૮ ડિગ્રી થવાની સંભાવના છે. શનિવારથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. અમદાવાદ, વડોદરામાં ૧૪-૧૬ ડિગ્રી ઠંડીનું અનુમાન છે. રાજકોટમાં ૧૪-૧૬ ડિગ્રી થઈ શકે છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.પ, મહત્તમ તાપમાન ૩૦.૬, ભેજનું પ્રમાણ ૮૯ ટકા, પવનની ગતિ ૪.ર કિ. મી. રહી હતી. (પ-૧ર)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
