<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

બામણબોર નજીક બોલેરોનું ટાયર ફાટતાં બાઇક ઠોકરે ચડયું: ચોટીલાના પંકજભાઇ ગોહેલનું મોત

યુવાન રાજકોટ કામ માટે આવી રહ્યા હતાં ત્‍યારે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૫: વાહન અકસ્‍માતના વધુ એક બનાવમાં એક પરિવારના આધારસ્‍તંભનો જીવ ગયો છે. બામણબોર નજીક બોલેરોની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક ચોટીલાના યુવાનને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. ટાયર ફાટવાથી બોલેરોના ચાલકે કાબુ ગુમાવ્‍યો હતો અને આગળ જઇ રહેલું બાઇક તેની ઠોકરે આવી ગયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલામાં આણંદપર રોડ પર રહેતાં પંકજભાઇ મોહનભાઇ ગોહેલ (ઉ.વ.૪૦) સાંજે હોન્‍ડા હંકારીને રાજકોટ તરફ કોઇ કામ માટે આવી રહ્યા હતાં ત્‍યારે બામણબોર ચેકપોસ્‍ટ અને ગુંદાળા ગામના રસ્‍તાની વચ્‍ચેના હાઇવે પર પહોંચ્‍યા ત્‍યારે પાછળ આવી રહેલી એક બોલેરોનું ટાયર ફાટતાં તેના ચાલકે કાબુ ગુમાવતાં પંકજભાઇનું બાઇક તેની ઠોકરે આવી જતાં તેઓ બાઇક સહિત રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે જાણ કરતાં એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર પંકજભાઇ ચોટીલામાં એકલા રહી છુટક કામ કરતાં હતાં. તે અપરિણીત હતાં અને ત્રણ ભાઇ તથા બે બહેનમાં બીજા હતાં. તેમના ભાઇના કહેવા મુજબ પંકજભાઇ રાજકોટ તરફ કોઇ કામ માટે આવી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(10:51 AM IST)