<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

જામનગરમાં સનસનાટી : ઉદ્યોગપતિએ મહિલાને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું : વીડિયો બનાવી બ્લેકમેલ કરતાં અંતે ફરિયાદ નોંધાઈ

કોલ્ડડ્રિંકમાં બેભાન કરનારું પ્રવાહી ભેળવી વિલામાં બળાત્કાર ગુજાર્યો : અંબર ચોકડી પાસેની ઓફિસમાં પણ વારંવાર દુષ્કર્મ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતાં સિક્કા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૫ : જામનગર શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ શહેરના એક ઉદ્યોગપતિ સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ગંભીર ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે સિક્કા પોલીસ સ્ટેશનમાં આરોપી ઉદ્યોગપતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બેભાન કરીને દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગ
ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપી ઉદ્યોગપતિ તેને પોતાની કારમાં બેસાડીને એક વિલામાં લઈ ગયો હતો. ત્યાં તેણે કોલ્ડડ્રિંકમાં બેભાન કરનારું પ્રવાહી ભેળવીને પીવડાવ્યું હતું. મહિલા બેભાન થઈ ગયા બાદ આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આટલું જ નહીં, આરોપી ઉદ્યોગપતિએ આ અંગત પળોના ફોટા અને વીડિયો શૂટિંગ પણ કરી લીધા હતા અને તેનો ઉપયોગ મહિલાને સતત બ્લેકમેઇલ કરવા માટે કર્યો હતો.
ઓફિસમાં પણ વારંવાર બળાત્કાર
મહિલાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે બ્લેકમેઇલ કરીને આરોપી ઉદ્યોગપતિએ અંબર ચોકડી પાસે આવેલી પોતાની ઓફિસમાં પણ તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપી દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસની હદ વધી જતાં આખરે મહિલાએ હિંમત કરીને સિક્કા પોલીસ સ્ટેશનમાં ઉદ્યોગપતિ વિરુદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(2:59 PM IST)