News of Wednesday, 5th November 2025
ભાવનગર જિલ્લામાં ખેડૂતોની સાથે સાથે ખેત શ્રમિકો, મજૂરો અને ભાગિયાઓને પણ સહાય ચૂકવવાની માંગ બની પ્રબળ
સરકાર દ્વારા આ દયનીય સ્થિતિમાં મુકાયેલા શ્રમિકો માટે પણ યોગ્ય સહાય અંગે તાત્કાલિક જાહેરાત કરવામાં આવે તે જરૂરી

ભાવનગર જિલ્લામાં દિવાળી પછી શિયાળાની શરૂઆત થવાને બદલે કુદરતે જાણે ઋતુચક્ર બદલ્યું હોય તેમ, છેલ્લા 10 થી 15 દિવસ દરમિયાન ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં ઉદભવેલા ડિપ્રેશનના પગલે આ અનરાધાર વરસાદે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જાતા નદી-નાળાઓ અને ડેમ છલકાયા છે. જેનાથી પાણીની સમસ્યા તો દૂર થઈ, પરંતુ ખેતીને પારાવાર નુકસાન થયું છે.
ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, જેસર, પાલીતાણા અને ભાવનગર તાલુકાઓમાં મુખ્યત્વે મગફળી અને કપાસ જેવા પાકોનું મોટા પાયે વાવેતર થાય છે. ખેડૂતો જેઠ મહિનાથી દિવસ-રાત જોયા વગર મહેનત કરીને પાક તૈયાર કરે છે. જેમાં એક વીઘા દીઠ બિયારણ, ખાતર અને અન્ય ખર્ચાઓ મળીને આશરે રૂપિયા 15 હજાર જેટલો ખર્ચ થાય છે. પાક તૈયાર થવાના સમયે જ આ કમોસમી વરસાદ વરસતા, ખેતરો પાણીમાં ડૂબી ગયા અને મગફળી, કપાસ, બાજરી, જુવાર, તલ, ડુંગળી સહિતના તમામ પાકો નિષ્ફળ ગયા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હોય તેવી દયનીય સ્થિતિ સર્જાઈ છે.
વરસાદને કારણે થયેલી નુકસાની અંગે ખેડૂતોના ઉગ્ર વિરોધ બાદ, રાજ્ય સરકાર દ્વારા સર્વે અને પંચરોજ કામગીરી હાથ ધરીને ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ જાહેરાતથી ખેતીમાં ભાગીદાર તરીકે કામ કરતા ખેત શ્રમિકો અને ભાગિયા રાખતા ખેત મજૂરોની હાલત કફોડી બની છે.
ભાવનગર જિલ્લામાં મોટાભાગે ખેતીની જમીનમાં એક-તૃતીયાંશ ભાગીદારી પ્રથા પ્રચલિત છે. તમામ આર્થિક ખર્ચ ખેડૂત કરે છે. અને પાક થયા બાદ ખેડૂત, જમીન માલિક બે ભાગ મેળવે છે. જયારે ભાગિયા, ખેત શ્રમિક, વાવણી, નિંદામણ, પાણી પાવું અને દિવસ-રાત પાકની દેખરેખ સહિતની તમામ શ્રમની કામગીરી કરે છે અને પાક પૂર્ણ થયા બાદ ત્રીજો ભાગ મેળવે છે.
વરસાદથી પાક નિષ્ફળ જતાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય માત્ર જમીન માલિકોને જ ચૂકવાશે. પરિણામે, જે ખેત શ્રમિકોએ પોતાના પરિવાર સાથે જેઠ મહિનાથી માંડીને પાક ઉભો કરવા સુધી રાત-દિવસ જોયા વગર મહેનત કરી અને પોતાનો પરસેવો પાડીને પાકમાં સિંહફાળો આપ્યો છે. તેમને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે અને તેઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. તેવાંમાં ખેડૂતોની સાથે-સાથે ખેત શ્રમિકો, મજૂરો અને ભાગિયાઓને પણ તેમની મહેનતનું યોગ્ય વળતર, સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે. સરકાર દ્વારા આ દયનીય સ્થિતિમાં મુકાયેલા શ્રમિકો માટે પણ યોગ્ય સહાય અંગે તાત્કાલિક જાહેરાત કરવામાં આવે તે જરૂરી છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
