<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે ઠંડકની અસરમાં વધારો થવા લાગ્‍યો

મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવુ વાતાવરણઃ સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુફાળુ હવામાન

રાજકોટ, તા. ૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવે ધીમે ધીમે ઠંડકની અસર વર્તાવા લાગી છે. અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવુ વાતાવરણ અનુભવાય છે અને સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાયુ છે.

રાજયભરમાં માવઠાનો પ્રકોપ ઘટતાની સાથે જ હવે શિયાળાની અસર દેખાવા માંડી છે. આજે સૌરાષ્‍ટ્રમાં અનેક સ્‍થળોએ વહેલી સવારે ઝાકળ વર્ષા થવા પામી હતી અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થવા લાગ્‍યો છે. ઝાકળ વર્ષના કારણે વિઝિબિલીટીમાં ઘટાડો આવી જવાના કારણે હાઇવે પર વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્‍યું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ, જુનાગઢ સહિત સોરઠમાં ધુમ્‍મસ વચ્‍ચે આજે વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. જેના પરિણામે વાતાવરણ આહલાદક થઈ ગયું હતું.

રાત્રિનું તાપમાન ઘટતા અને પવન મંદ પડતાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્‍યું હતું અને તેની સાથે હળવું ધુમ્‍મસ પણ છવાઈ જતા ગુલાબી ઠંડીની અસર જોવા મળી હતી. જેના પગલે શિયાળાની શરૂઆત ધીમે ધીમે થતા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

આજે સવારે જુનાગઢ સહિતના વિસ્‍તારોના વાતાવરણમાં ભેજ વધતા ધુમ્‍મસ છવાઈ ગયું હતું અને વહેલી સવારે વોકિંગમાં નીકળેલા લોકોએ ગુલાબી ઠંડી અનુભવી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લધુત્તમ તાપમાન ર૦ સે.ગ્રે., મહત્તમ તાપમાન ૩ર સે.ગ્રે. ભેજનું પ્રમાણ ૮૯ ટકા, પવનની ગતિ ૩.૪ કિ.મી. છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી શહેરમાં વાતાવરણ કરવટબદલી હોય તેમ વહેલી સવારના વાદળો રીતસર ધરતી ઉપર આવી ચડિયા હતા અને વાદળોએ  ઝાકળ વર્ષા વરસાવી હોય તેમ હિલ સ્‍ટેશન જેવું વાતાવરણ સર્જી દીધું હતું અંધકાર જેવા વાતાવરણથી વહેલી સવારમાં નીકળતા મુસાફરોને વાહન ચલાવવામાં મુશ્‍કેલી સર્જાઇ હતી અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો અને રોડ ભીના થઇ ગયા હતા.

(11:01 AM IST)