તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
મોરબીમાં પૂ. દાદા ભગવાન જન્મોત્સવમાં ‘જોવા જેવી દુનિયા' થકી જીવન જીવવાની અમુલ્ય શીખ
પૂ. દિપકભાઇ દેસાઇના સાનિધ્યમાં આત્મ સાક્ષાત્કાર થકી દિવ્યદ્રષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધીમાં હજારો મુમુક્ષુઓએ આત્મજ્ઞાન મેળવ્યું : ૩ દિવસમા મહોત્સવમાં એક લાખથી વધુ લોકો ઉમટયાઃ મહોત્સવ સ્થળે જોવા મળ્યો વૈજ્ઞાનિક સમજણ, આધુનિક ટેકનોલોજી અને રોમાંચક પ્રસ્તુતિનો સંગમ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૬: છેલ્લા ત્રણ દિવસથી મોરબી અને આજુબાજુના ગામો-જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ એક જ દિશામાં વહી રહ્યો છે. તેમનું લક્ષ્ય છે મોરબીના રવાપુર-ઘુનડા રોડ, પાણીની ટાંકી સામે ઉભી કરવામાં આવેલી ૩૨ લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલી એક આનંદનગરી - જોવા જેવી દુનિયા. આ અદભુત જોવા, જાણવા અને અનુભવવા જેવી નગરીનું જ્ઞાનીપુરુષ દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ૩ નવેમ્બરના રોજ સાંજે દીપકભાઈ દ્વારા ભવ્ય ઉદ્ધાટન થયું હતું. ત્રણ દિવસમાં જ એક લાખથી વધુ લોકો આ જોવા જેવી દુનિયાની મુલાકાત લઈ ચૂકયા છે.
દાદા ભગવાને જગતના લોકો સુખ અને શાંતિને પામે એવી એકમાત્ર ભાવનાથી આપેલ કળયુગમાં અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન એટલે અક્રમ વિજ્ઞાન. આ અદભૂત અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોને આવરી લેતી જોવા જેવી દુનિયામાં ‘થીમ પાર્ક' અને ‘ચિલ્ડ્રન પાર્કઙ્ખનું સર્જન કરવામાં આવ્યું છે જે બાળકો અને યુવાનોને મુશ્કેલીઓથી ભરેલા જીવનમાં જિંદગી જીવવાનો એક અનોખો અભિગમ પૂરો પાડે છે. મોરબીમાં પ્રથમ વાર જ યોજાઈ રહેલ આ અનોખી દુનિયાની મુલાકાત લઈ લોકોએ સપરિવાર અહીં દર્શાવવામાં આવતા વિવિધ શો માણ્યા હતા. ઘણાં મુલાકાતીઓએ એવું પણ જણાવ્યું હતું કે ‘આ દુનિયામાં જે કોઈ પ્રવેશ ક૨શે, તે જીવન જીવવાની અમૂલ્ય ચાવીઓ લઈને જ જશે. સંસારની ગરમીથી દૂર, ઠંડક આપતી આ ‘જોવા જેવી દુનિયા'ની મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી.' આ જોવા જેવી દુનિયાના દ્વાર ૯ નવેમ્બર સુધી રોજ સાંજે ૪-૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
બુધવારે ૫ નવેમ્બરના રાત્રે યોજાયેલ આત્મસાક્ષાત્કાર થકી દિવ્યદૃષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધિના પ્રયોગમાં હજારો મુમુક્ષુઓએ આત્મજ્ઞાન મેળવ્યું હતું અને ત્યારબાદ દીપકભાઈ દ્વારા આત્મજ્ઞાન સાથે વ્યવહારની ફરજો પૂરી પાડવાની સચોટ સમજણ આપતી પાંચ આજ્ઞાઓ ખૂબ જ ભાવથી સમજી હતી.
મહોત્સવ અંતર્ગત ૬ અને ૭ નવેમ્બરના રોજ સવારે ૧૦ થી ૧૨-૩૦ અને રાત્રે ૮-૩૦ થી ૧૧ દરમિયાન દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ પણ રહેશે. આ પ્રશ્નોત્તરી સત્સંગની ખાસિયત એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા સંસારિક કે વ્યવહારિક પ્રશ્નો પૂછીને તેના સમાધાન દીપકભાઈ પાસેથી મેળવી શકે છે.
૯ નવેમ્બર સુધી રોજ સાંજે ૪-૩૦ થી રાત્રે ૧૧ સુધી થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક એટલે વિવિધ મનોરંજક માધ્યમોથી, રોજીંદા જીવનમાં પ્રેક્ટિકલ રીતે સાચી સમજણને હસતા-હસાવતા પીરસતા પ્રદર્શનો.
‘વિક્રમ વેતાળ' રોબોટીક્સ સાથે ડ્રામા - રોમાંચક નાટકના માધ્યમથી માનવધર્મની પાયાની સમજણ મળે છે. જેવો મને ગમે તેવો જ વ્યવહાર બીજાની સાથે કરવો એ માનવધર્મ! પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આ સમજણ શીરાની પેઠ જીવનમાં ઉતરી સ્વયં ક્રિયાકારી બનશે.
‘સાઈરન'- આ શોર્ટ ફિલ્મ એક પ્રયાસ છે આપણી અંદર વાગતી સાઈરનને ઓળખવાનો, જે સતત આપણને ચેતવતી હોય છે. જરૂર છે બસ કાન અને હ્રદય ખુલ્લા રાખી સાંભળવાની.
મૈ કૌન હૂં?' - છેક સુધી જકડી રાખે તેવો એકપાત્રીય અભિનય વ્યક્તિને સ્પર્શે તેવા લોજીકલ અને પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે.
‘એહસાસ' શોર્ટ ફિલ્મ - શું સંબંધોમાં લાગણીના ટકા ઓછા થવા લાગ્યા છે? અને એની આડઅસર ઘરમાં દેખાવા લાગી છે? તો ઘરની વ્યક્તિઓ સાથેના નાજુક સંબંધ કઈ રીતે સચવાય તેનું સરળ માર્ગદર્શન આપતી ફિલ્મ.
પાર્કના આકર્ષણો
‘તારારમપમપુર' મનોરંજક પપેટ શો - બાળકોને, બાળકો દ્વારા, બાળ ભાષામાં સંસ્કાર સિંચન કરાવતી તારાઓની દુનિયાની એક સફર બાળકોને જીદ ઉપર જીત મેળવવાની સમજ પૂરી પાડશે.
‘હનુમાન ઔર કાલનેમી' - અત્યાધુનિક ટેક્રોલોજી દ્વારા નિર્માણ કરવામાં આવેલ આ મલ્ટિમીડિયા હોલોગ્રામ શો જે વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોના સમાધાન આપશે. આ એક જ શો માં ત્રણ વિશાળ LED સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમ એક ટ્રાન્સપરેન્ટ LED સ્ક્રીન છે જે કદાચ તમે પહેલીવાર જ જોશો.
‘ચાલો બનીએ સુપર હીરો' - સુપર હીરો એટલે જેમની પાસે બીજા કરતાં અલગ કઈંક વિશેષ શક્તિ હોય. તમે પણ આ પ્રદર્શનમાં જાતે જ અનુભવ કરી ખિલવીએ વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ અને બનીએ સુપર હીરો.
‘એમ્ફીથીયેટર' - બાળકોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો મોકો આપતું એક પ્લેટફોર્મ કે જેમાં તેઓ ડ્રામા અને કોમ્પિટિશનમાં સહભાગી બની શકશે. અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતું ફૂડ કોર્ટ, ટેકનોલોજી અને જ્ઞાનનો સમન્વય ક૨તી વેબ દુનિયા, બાલ વિજ્ઞાન અને આધ્યાત્મિક પુસ્તકોનો ખજાનો પૂરો પાડતા બુક સ્ટોર્સ, ૧૨૦૦૦ બેઠકની ક્ષમતા ધરાવતો સવા લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલ વિશાળ સત્સંગ હોલ.
મોરબી દાદા ભગવાન મહોત્સવમાં મુકબધીરો માટે પણ સાઈન લેન્ગવેજથી સત્સંગ યોજાશે
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૬: મોરબીમાં તારીખ ૩ નવેમ્બરથી દાદા ભગવાનના જન્મજયંતી મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો પધારી રહ્યા છે. ત્યારે મોરબી શહેર તેમજ આજુબાજુના ગામના બ્હેરા-મુંગા ભાઈઓ તથા બહેનો માટે પણ સાઈન લેન્ગવેજ ટ્રાન્સલેશન મારફતે જ્ઞાન વિધિ અને સત્સંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્કમાં પણ મુલાકાત કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો આપની આસપાસ રહેતા સર્વે બ્હેરા-મુંગા વ્યક્તિઓને જાણ કરી આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે ભરતભાઈ (મો.નં. ૯૪૨૭૫ ૨૯૧૬૦)નો સંપર્ક કરવા જણાવાયું છે

(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
