<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

કોંગ્રેસનો નગારે ઘાઃ ખેડૂતો માટે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ

સૌરાષ્‍ટ્રના ૧૦ જીલ્લાઓમાં પરિભ્રમણ કરશેઃ ૧૩ મીએ દ્વારકામાં સમાપનઃ અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના ઉપસ્‍થિત

(દિપર ક્કકડ દ્વારા) વેરાવળ, તા.૬: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપીસીસી)એ ગુજરાતના ખેડુત વર્ગની વિકટ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને ખેડૂત આક્રોશ યાત્રાનું વિશાળ આયોજન કર્યું છે. આ યાત્રા આજે સોમનાથ (વેરાવળ બાય-પાસ, સાચી સિનેમાની બાજુમાં, અવસર રિસોર્ટ) ખાતેથી શરૂ થઈ છે. અને દ્વારકા પહોંચીને ૧૩ નવેમ્‍બરે સમાપ્ત થશે. સૌરાષ્‍ટ્રના ૧૦ જિલ્લાઓ (ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, મોરબી અને જામજોધપુર)માંથી પસાર થતી આ યાત્રામાં હજારો ખેડુતો, માછીમારો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાશે. યાત્રાનું મુખ્‍ય ઉદ્દેશ્‍ય ખેડુતોના પાક ધિરાણ (લોન) માફ કરવા અને પાક વીમા યોજના તાત્‍કાલિક ચાલુ કરવામાં આવે, જેથી અસમયના વરસાદથી પીડિત ખેડુતોને તાત્‍કાલિક રાહત મળી શકે.

આ વર્ષે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં કમોસમી તીવ્ર વરસાદ, તોફાન અને ખરાબ હવામાનને કારણે ખેડુત વર્ગને અભૂતપૂર્વ નુકસાન થયું છે. મુખ્‍યત્‍વે મગફળી, કપાસના બીજ, ડાંગર જેવા પાકોના વાવેતરને સંપૂર્ણ નાશ થયેલ છે, જેના કારણે ખેડુતોની આર્થિક સ્‍થિતિ કફોડી થઈ ગઈ છે. આ ઉપરાંત, સાગરખેડુતો (માછીમાર વર્ગ)ને પણ છેલ્લા અનેક મહિનાઓથી ખરાબ હવામાન અને તોફાનોને કારણે જીવનધંધો ચલાવવામાં મુશ્‍કેલી પડી રહી છે. તેઓએ પોતાના જીવનને જોખમમાં મૂકીને કામ કર્યું છે, પરંતુ સરકારી સહાય અને વીમાની અભાવને કારણે તેઓ આર્થિક તંગીમાં છે. કોંગ્રેસ પાર્ટી આ બધી સમસ્‍યાઓ પ્રત્‍યે સંવેદનશીલ છે અને ખેડુતોના અન્નદાતા તરીકેના હક્કો માટે સરકારને જગાડશે.

આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી તેમજ અન્‍ય કોંગ્રેસ પદાધિકારીઓ જોડાયા છે. જેથી સરકારને ખેડુતોની માંગો - જેમાં વિશેષ રાહત પેકેજનો સમાવેશ થાય - તાત્‍કાલિક અમલમાં મૂકવા માટે દબાણ કરી શકાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કહે છે કે, ખેડુતો વિના ગુજરાતનો વિકાસ અશકય છે. આ યાત્રા દ્વારા અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે, ખેડુતોની સમસ્‍યાઓનું નિરાકરણ ન થાય તો આ આંદોલન વધુ વિસ્‍તારીશું.

બધા ખેડુત ભાઈઓ-બહેનો તથા સાગરખેડુઓ આ યાત્રામાં મોટી સંખ્‍યામાં જોડાવાના છે એવું સોમનાથ ધારાસભયશ્રી વિમલભાઈ ચુડાસમાએ અખબારી યાદીમાં જણાવેલ છે.

(11:05 AM IST)