તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 6th November 2025
વાંકાનેરના રાણેકપર ગામે ભેલાણ બાબતે ખેડૂતો અને માલધારી વચ્ચે બઘડાટીઃ ૬ને ઇજા
ઇજાગ્રસ્ત મામા અને બે ભાણેજને રાજકોટ ખસેડાયા

(લીતેશ ચંદારાણા તથા મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૬: વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ (માલ ચરાવવા) બાબતે થયેલા વિવાદને પગલે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા માલધારીઓના ટોળાએ ખેડૂતો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માલધારીઓ દ્વારા ખેડૂતો પર લાકડા, ધારીયા, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરતા પાંચથી વધુ ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે.
મળતી વિગતો મુજબ, માલધારીઓના ટોળાએ ઉશ્કેરાઈને ખેડૂતો પર લાકડા, ધારીયા, પાઇપ સહિતના જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચથી વધુ ખેડૂતોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમા મોહસીન મેહબૂબભાઈ માથકીયા (ઉ.વ. ૨૧), નજીઉલ્લાહ યાકુબભાઈ બાદી (ઉ.વ.૧૭), કડીવાર આહમદભાઈ હબીબભાઈ (ઉ.વ.૪૫), જુબેર આહમદભાઈ કડીવાર, માથકીયા અલ્તાફ હુશેનભાઈ તથા માથકીયા નવાઝ અસરફભાઈને ઇજાઓ થઇ હતી.
આ બનાવ બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન, એહમુદભાઇ તથા તેના બે ભાણેજ મોહસીન માથકીયા અને નજીઉલ્લાહ બાદી સહિત ત્રણ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આ ઘટનાથી વાંકાનેર પંથકના ખેડૂત સમાજમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ખેતરમાં ભેલાણ જેવી બાબતે વારંવાર ખેડૂતો પર હુમલાઓ કરે છે.
ખેડૂતોને પોતાના ખેતરોમાં થતા નુકસાન અને તેના વિરોધમાં થતા હિંસક હુમલાઓથી રાહત મળે તે માટે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જો પોલીસ તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલ છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
