<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

વાંકાનેરના શક્‍તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા

ભુઈમાએ એક મહિલાને દવા બંધ કરાવતા તેનું મોત નીપજ્‍યું હોવાના આક્ષેપ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૭:વાંકાનેરના શક્‍તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો છે. બીજી તરફ આ ભુઈએ એક મહિલાને દવા બંધ કરાવતા તેનું મોત નીપજ્‍યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્‍યા છે.

વિજ્ઞાન જાથાના જણાવ્‍યા અનુસાર વાંકાનેરના શક્‍તિપરામાં હનીફાબેન પઠાણ છેલ્લા દસ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી દુઃખ-દર્દ મટાડવાનું કામ કરતા હતા. તેઓએ ઘરમાં મેલડી માતા અને ખોડિયાર માતાનું મંદિર બનાવ્‍યું હતું. તેઓબી.પી., ડાયાબિટીસ મટાડવાનો દાવો કરી દાણા પિવડાવવાનો ઉપચાર કરતા હતા. જેના તેઓ બે હજારથી વીસ હજાર ફી વસુલતા હતા. મોરબી, વાંકાનેર, કુવાડવા, ચોટીલા, થાનગઢ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો આ ભુઈમાં પાસે આવતા હતા.સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, લગ્ન સંબંધી ઉકેલનું પણ તેઓ કામ કરતા હતા.

થાનગઢની બી.પી.ની દર્દી મહિલાને આ ભુઈએ દવા બંધ કરાવી હતી. જેથી થાનગઢ પરિવારે જાથાના કાર્યાલયે આપવિતી વર્ણવ્‍યા બાદ આજે જાથાની ટીમે પોલીસને સાથે રાખી તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ બંદોબસ્‍તમાં વાંકાનેર સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓમાં લીંબાભાઈ રબારી, ભાવનાબેન મકવાણા, શીતલબેન મકવાણા સાથે જોડાયા હતા.

આ મામલે ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્‍યું કે વિજ્ઞાન જાથાની ટીમે પોલીસ બંદોબસ્‍ત સાથે આ ભુઈનો પર્દાફાશ કર્યો છે. થાનના યુવક અને જાથાના જયંત પંડ્‍યાએ ફરિયાદ આપી હતી કે આ ભુઈના કહેવાથી થાનના યુવકના માતાએ દવા બંધ કરી દીધી હતી. જેના પગલે તેઓનું મોત નીપજ્‍યું હતું. પોલીસ દ્વારા અપીલ ક૨વામાં આવે છે કે લોકો ભુવાના ચક્કરમાં ન પડે. જ્‍યાં સારવારની જરૂર હોય ત્‍યાં સારવાર લ્‍યે. ઉપરાંત આવા કોઈ બનાવ સામે આવે તો પોલીસ તથા વિજ્ઞાન જાથાની ટીમને જાણ કરે

(11:23 AM IST)