<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

સુક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગો માટે અલાયદી નવી બેન્‍કીંગ સુવિધા તેમજ ડીજિટલ સાધનો

પોરબંદરમાં રિઝર્વ બેન્‍કના પ્રાદેશિક નિર્દેશક અમરેશ રંજન દ્વારા ઉદ્યોગકારો માટે માર્ગદર્શન યોજાયુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૯: ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય સમાવેશ અને વિકાસ વિભાગ દ્વારા હોટેલ લોર્ડ્‍સ ઈન, પોરબંદરમાં સૂક્ષ્મ, નાના અને મધ્‍યમ ઉદ્યોગો માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

આ કાર્યક્રમનો હેતુ નાના ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારો સુધી બેન્‍કિંગ સુવિધાઓ, સરકારી યોજનાઓ અને માર્ગદર્શિકાઓની માહિતી પહોંચાડવી તથા બેન્‍કો અને ઉદ્યોગકારો વચ્‍ચે સીધો સંવાદ સ્‍થાપિત કરવાનો હતો. બેઠકનું ઉદઘાટન ભારતીય રિઝર્વ બેંકના પ્રાદેશિક નિર્દેશક અમરેશ રંજન દ્વારા કરવામાં આવ્‍યુ અને તેમણે પોતાના સંબોધનમાં જણાવ્‍યું કે નાના એકમ ક્ષેત્ર દેશની અર્થવ્‍યવસ્‍થાના પ્રાણ છે.આશરે ૬ કરોડ નાના ઉદ્યોગ એકમો દેશના જીડીપી એક તળતિયાંશ હિસ્‍સો પૂરું પાડે છે અને લાખો લોકોને રોજગાર આપે છે. આ દિશામાં સરકાર સતત પ્રયત્‍નશીલ છે. બજેટ ૨૦૨૫-૨૬માં MSME માટે ક્રેડિટ ગેરંટી કવર વધારવા, ડિજિટલાઇઝેશન અને ક્ષમતા નિર્માણ માટે રૂ.૨૩,૦૦૦ કરોડથી વધુનું પ્રાવધાન કરવામાં આવ્‍યું છે.

પ્રાદેશિક- નિર્દેશક અમરેશ રંજને કહ્યું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં MSME ક્ષેત્રની ભૂમિકા અત્‍યંત મહત્‍વપૂર્ણ છે.રિઝર્વ બેંક MSME ઉદ્યોગકારોને નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાધનો અને નવી બેન્‍કિંગ સુવિધાઓ સાથે જોડવા સતત પ્રયત્‍નશીલ છે.

આ બેઠકમાં મુખ્‍તાર સિંહ (મુખ્‍ય મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા) અને રાજેશ પુષ્‍પાંગધન (ઉપ મહાપ્રબંધક, સ્‍ટેટ બેન્‍ક) એ નાના એકમ ક્ષેત્ર પર બેન્‍કોની દૃષ્ટિ રજૂ કરી હતી. પોરબંદર  જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર ડી. આર. પરમારે ગુજરાત સરકારની MSME પહેલો વિશે માહિતી આપી, પ્રેમસાય બિસ્‍વાલ એ  યોજનાઓ પર પ્રકાશ પાડ્‍યો હતો

(12:09 PM IST)