<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ધ્રોલના ગરેડીયાનાં ખેડૂતનું હ્રદયરોગના હુમલાથી મૃત્‍યુ

ખેતી ઉપર નભતા- મહેનતુ પ્રભાતભાઇ ગોવિંદભાઇ ડાંગરના મૃત્‍યુથી ખેડૂત પરિવારે આધાર ગુમાવ્‍યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૮: ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામમાં આજે વહેલી સવારે એક અત્‍યંત દુઃખદ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ગામના જાણીતા ખેડૂત પ્રભાતભાઈ ગોવિંદભાઈ ડાંગર (ઉંમર વર્ષ ૫૬)નું અચાનક હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રભાતભાઈ ડાંગર આજે વહેલી સવારે પોતાના ઘરે હતા. તે જ સમયે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્‍યો અને હાર્ટએટેક આવ્‍યો હતો. પરિવારજનોએ ગંભીરતા પારખીને તેમને તાત્‍કાલિક ધ્રોલની સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડ્‍યા હતા. જોકે, કમનસીબી એ રહી કે હોસ્‍પિટલમાં ડોક્‍ટરો દ્વારા કોઈ પણ પ્રકારની સઘન સારવાર શરૂ થાય તે પહેલાં જ પ્રભાતભાઈનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

ખેતી પર નભતા અને મહેનતુ સ્‍વભાવના પ્રભાતભાઈના આકસ્‍મિક અવસાનથી માત્ર મોટા ગરેડીયા ગામ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે. મળતક પ્રભાતભાઈ ડાંગરને સંતાન ન હોવાના કારણે પરિજનોમાં ભારે આઘાત અને દુઃખની લાગણી પ્રવર્તી રહી છે. ખેડૂત પરિવારના આધારસ્‍તંભ સમાન વ્‍યક્‍તિને ગુમાવવાથી માતમ છવાયો છે.

(11:23 AM IST)