News of Saturday, 8th November 2025
ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગેઃ પૂ.મોરારીબાપુ
શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભઃ પૂ.મોરારીબાપુના પિતાશ્રી પૂ.પ્રભુદાસબાપુની પૂણ્યતિથીએ કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા.૮: શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે પૂ.મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે.
પૂ.મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે સહજ ભાવે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. પૂ.મોરારિબાપુએ કહ્યું કે, ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે.
કારતક વદ બીજ એ પૂ.મોરારીબાપુનાં પિતા શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા શ્રી ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ શ્રી ગેમલદાસજી - ગેમલજી ગોહિલ પ્રતિનિધિ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક શ્રી પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક શ્રી રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) શ્રી ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક શ્રી હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ ૨૦૨૫ માટે પૂ.મોરારીબાપુના હસ્તે સન્માનિત થયાં.
શ્રી મોરારીબાપુની પ્રેરણા સાથે યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહમાં સંચાલનમાં હરિヘંદ્ર જોષી રહ્યાં અને તેઓએ પ્રાસંગિક વાતમાં શ્રી ગેમલજીબાપુ રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણની તબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી. સન્માન પસંદગી પ્રક્રિયામાં શ્રી જયશ્રી માતાજી, શ્રી રામદાસજી ગોંડલિયા તથા શ્રી હિતેશગિરી ગોસાઈ રહેલ.
આ સન્માન અર્પણ વિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિતિમાં ભજનિકો દ્વારા તેમની વાણીમાં સંતવાણી લાભ મળ્યો હતો. તેમ મુકેશ પંડિત (ઇશ્વરીયા), જયદેવભાઇ માંકડ (તલગાજરડા)ની યાદીમાં જણાવ્યું છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
