<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

થાનના સરકારી દવાખાનામાં દાંતની સારવાર વખતે બાળક સોઇ ગળી ગયો!

આઠ વર્ષના બાળકને સારવાર માટે રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયોઃ સવારે મળમાર્ગે સોઇ બહાર આવી જતાં રાહત

રાજકોટ તા. ૮: ચોટીલાના થાનગઢ ગામે રહેતાં એક પરિવારના ૮ વર્ષના દિકરાને દાંત દુઃખતા હોઇ થાનની સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવાયો ત્‍યારે દાંતની સારવાર વખતે તે સોઇ ગળી જતાં પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં. બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તબિબે આ ઘટનામાં પોલીસ કેસ જાહેર કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ થાનગઢમાં રહેતાં અને સીરામીક માટીનું કામ કરતાં દંપતિને સતાનમાં એક દિકરી અને એક દિકરો છે. જેમાં દિકરો આઠ વર્ષનો છે અને બહેનથી નાનો છે. તે બીજા ધોરણમાં અભ્‍યાસ કરે છે. તેના પિતાએ જણાવ્‍યું હતું કે બે દિવસથી દિકરો દાંત દુઃખતો હોવાની ફરિયાદ કરતો હોઇ તેને અમે થાનગઢના સરકારી દવાખાને લઇ ગયા હતાં. ત્‍યાં ડોક્‍ટર દ્વારા દાંતની સફાઇ કરવામાં આવી રહી હતી તે વખતે સોઇ ઇન્‍જેક્‍શનમાંથી છુટી પડી ગઇ હતી અને એ સોઇ મારો દિકરો ગળી ગયો હતો.  દિકરાને કોઇ તકલીફ થતી નહોતી. પણ સોઇ ગળી ગયો હોઇ અમને ડર લાગતાં અમે તુરત તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસડયો હતો. જો કે આજે સવારે દિકરો હોસ્‍પિટલમાં કુદરતી હાજતે ગયો ત્‍યારે સોઇ મળ માર્ગે બહાર આવી ગઇ હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ત્‍યાંની પોલીસને નોંધ કરાવી હતી.

(11:39 AM IST)