<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

વિસાવદરમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રામાં ઉગ્ર રોષ : દેવા માફી કરવામાં

નહીં આવે તો ખેડૂતો બરબાદ થશે, તેની અસર સમગ્ર દેશનાં અર્થતંત્ર પર પડશે

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.,૮ : કોંગ્રેસ દ્વારા સૌરાષ્‍ટ્રના ૧૧ જિલ્લાઓ માટે આદરવામાં આવેલી ખેડૂત આક્રોશ યાત્રા વિસાવદરમાં પહોંચી હતી. વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં  પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોને સંબોધન કરી રેલી સ્‍વરૂપે પ્રાંત કચેરીએ પહોંચી ત્‍યાં પ્રાંત અધિકારી મારફત મુખ્‍યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી ખેડૂતોના દેવ સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માંગ કરી છે.

સોમનાથથી દ્વારકા સુધીની ૧૦૦૮ કિલોમીટરની ખેડૂત આક્રોશ યાત્રા સૌરાષ્‍ટ્રના ૧૧ જિલ્લાઓમાં ફરવાની છે.

આ યાત્રા આજે વિસાવદર ખાતે પહોંચી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિસાવદરના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સંમેલન રાખવામાં આવ્‍યું હતું.

આ ખેડૂત સંમેલનમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપની રાજ્‍ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગી આગેવાનોએ કહ્યું કે, હાલના સમયમાં કમોસમી વરસાદના કારણે ખેડૂત બરબાદ થઈ ગયો છે, ખેડૂત બરબાદ થશે તો વેપાર ધંધા અને દેશના અર્થતંત્ર પર તેની મોટી અસર થશે.

આવા સમયે સરકાર દ્વારા દેવા માફી અંગેનો નિર્ણય કરવામાં આવતો નથી જેના લીધે  કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકારને જગાડવા માટે ખેડૂત આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે. સરકાર અને ભાજપના ટોચના નેતાઓ ખેડૂતોની ચિંતા કરવાની બદલે બિહારની ચૂંટણીમાં વ્‍યસ્‍ત બન્‍યા છે.

હાલ ચોમાસુ પાક તો નિષ્‍ફળ ગયો છે પરંતુ જો સમયસર સરકાર ખેડૂતોના દેવા માફી નહીં કરે તો શિયાળુ પાકનું પણ ખેડૂતો વાવેતર કરી શકે તેવી સ્‍થિતિમાં નથી.

કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોને સંબોધન કર્યા બાદ અનેક ખેડૂતોએ સરકાર પ્રત્‍યે પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો હતો. ત્‍યારબાદ માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી રેલી યોજાઈ હતી.ત્‍યાં મુખ્‍યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર પ્રાંત અધિકારીને સોંપીને તાત્‍કાલિક ખેડૂતોના દેવા માફીનો જ નિર્ણય કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

 

(1:05 PM IST)