<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

૧૪ વર્ષના કિશોરના ખિસ્‍સામાં રહેલો મોબાઇલ ધડામ દઇને ફાટ્યો

મોબાઇલનો ઘા કરતા તેમાં શોટસર્કીટ થઇ અને વધુ બે ધડાકા થયા, સદનસીબે મોટો અકસ્‍માત ટળી ગયો

કચ્છ:  જિલ્લાના લખપત તાલુકાના ભાડરા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. 14 વર્ષનો રાજવીર પાયર નામનો કિશોર પોતાના પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખીને ફરતો હતો ત્યારે અચાનક ફોનમાં ધડાકો થયો અને તે ફાટી ગયો. સદનસીબે રાજવીરને ફક્ત સામાન્ય ઈજા પહોંચી છે અને મોટો અકસ્માત ટળી ગયો છે.

માહિતી મુજબ, રાજવીર પોતાના દૈનિક કામમાં વ્યસ્ત હતો ત્યારે ખિસ્સામાંથી અચાનક ધુમાડો નીકળ્યો. થોડા પળોમાં જ ફોનમાં જોરદાર અવાજ સાથે ધડાકો થયો. ગભરાયેલા રાજવીરે તરત જ ફોન ખિસ્સામાંથી કાઢીને જમીન પર ફેંકી દીધો. પરંતુ આશ્ચર્યજનક રીતે મોબાઇલ નીચે પડ્યા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ અને બે વધુ ધડાકા થયા.

આ ઘટનામાં રાજવીરને સાથળના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે. પરિવારજનો અને ગામલોકોએ તરત જ બાળકને પ્રાથમિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આવી ઘટનાઓ સામાન્ય રીતે મોબાઇલની બેટરી ઓવરહીટ થવાથી અથવા ડુપ્લિકેટ ચાર્જરથી ચાર્જ કરતા થતી હોય છે.. નિષ્ણાતો લોકોમાં ચેતવણી આપી રહ્યા છે કે મોબાઇલ ચાર્જ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, આખી રાત ચાર્જિંગ પર ન રાખવો અને સસ્તા નકલી ચાર્જરનો ઉપયોગ ટાળવો જોઈએ.

(2:29 PM IST)