News of Sunday, 9th November 2025
કચ્છ લખપતના ભાડરા ગામમાં બાળકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટ્યો: ઇજા
સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલની સુરક્ષા અને બાળકોના વધુ પડતા ઉપયોગ અંગે ચિંતા ફેલાઈ

કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 14 વર્ષીય બાળકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો. આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલની સુરક્ષા અને બાળકોના વધુ પડતા ઉપયોગ અંગે ચિંતા ફેલાઈ છે.
ભાડરા ગામના યુવા આગેવાન બળુભા તુંવરના જણાવ્યા અનુસાર, ગામમાં રહેતા 14 વર્ષના રાજવીર અરવિંદ પાયર નામના બાળકના ખિસ્સામાં મોટોરોલા કંપનીનો મોબાઈલ હતો. અચાનક થયેલા ધડાકાને કારણે રાજવીરને સાથળના ભાગે સામાન્ય ઇજા થઈ હતી.
અહેવાલો મુજબ, મોબાઈલમાં ધડાકો થતાં બાળકે તેને તરત જ ખિસ્સામાંથી બહાર કાઢી નાખ્યો હતો, પરંતુ તે પછી પણ તેમાં વધુ બે ધડાકા થયા હતા. સદનસીબે, બાળકને ગંભીર ઈજા થતાં ટળી ગઈ હતી.
આજના યુગમાં બાળકો મોબાઈલનો સતત ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ બનાવ વાલીઓ માટે લાલબત્તી સમાન છે. ફોનને ખિસ્સામાં રાખવાની રીત, બેટરીની ગુણવત્તા અને ચાર્જિંગ દરમિયાન થતી બેદરકારી જેવા મુદ્દાઓ પર વાલીઓએ વિશેષ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. આ ઘટનાએ મોબાઇલના અચાનક બ્લાસ્ટ થવાના સંભવિત જોખમને ફરી એકવાર ઉજાગર કર્યું છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
