તા. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૮ મંગળવાર
News of Sunday, 9th November 2025
ઉનાના નવાબંદર નજીક મધદરિયે ' વિજય સાગર ' નામની માછીમારી બોટ ડૂબી : 9 ખલાસીનો આબાદ બચાવ
બોટમાં રહેલા પંખાનો ભાગ તૂટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ: ૯ ખલાસીઓને સમયસૂચકતા વાપરીને અન્ય માછીમારી બોટ મારફતે સુરક્ષિત રીતે બચાવી લેવાયા

ગીર-સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા નવાબંદર ખાતે માછીમારી કરવા ગયેલી 'વિજય સાગર' નામની એક બોટ મધદરિયે ડૂબી જવાનો બનાવ બન્યો છે. બોટમાં રહેલા પંખાનો ભાગ તૂટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, બોટ ડૂબે તે પહેલાં જ તેમાં સવાર ૯ ખલાસીઓને સમયસૂચકતા વાપરીને અન્ય માછીમારી બોટ મારફતે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી.
આ બોટ ડૂબવા પાછળનું કારણ પણ સ્પષ્ટ થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, બોટમાં રહેલ પંખાનો મહત્ત્વનો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું હતું અને થોડા જ સમયમાં બોટે જળસમાધિ લઈ લીધી હતી. જોકે, બોટ ડૂબવાને કારણે માછીમાર પરિવારને મોટું નાણાકીય નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ડૂબેલી બોટને પાછી મેળવવા અને વધુ નુકસાન અટકાવવા માટે બોટ માલિકો અને અન્ય માછીમારો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ડૂબેલી બોટને પાણીની સપાટીથી શોધીને તેને 10 થી 12 જેટલી અન્ય બોટો સાથે દોરડાથી બાંધીને ખેંચીને કિનારે લાવવાની કામગીરી ચાલી રહી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
