<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વચ્‍ચે ભુજમાં બીએલઓ દ્વારા ઘેર ઘેર જવાને બદલે સામુહિક ફોર્મ વિતરણ

કચ્‍છમાં તંત્ર દ્વારા પૂરતી જાણકારી ન અપાતા લોકોને અનેક મૂંઝવણો, મુસ્‍લિમ વસ્‍તી ધરાવતા ગામોમાં ગેરસમજણ, કચ્‍છની ૨૦૦૨ની મતદાર યાદી બધા જ બીએલઓ સુધી નથી પહોંચી?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ :..  સર ના આયોજન તળે કચ્‍છમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ તો થઈ ગયો છે પણ તંત્ર દ્વારા પૂરી જાણકારી ન અપાતા લોકોમાં અનેક મૂંઝવણ અને સવાલો છે.

સામાન્‍ય રીતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કે ચૂંટણીઓ પૂર્વે તંત્ર દ્વારા મીડિયા બ્રીફિંગ કરાય છે તો રાજકીય અને સામાજિક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને પણ આ અંગે માહિતગાર કરાય છે જેથી લોકો સુધી યોગ્‍ય જાણકારી પહોંચી શકે.

આમ તો બીએલઓ ઘેર ઘેર રૂબરૂ મુલાકાત લઈ મતદારને સમજ આપે અને યોગ્‍ય દસ્‍તાવેજોની ખરાઈ કરે એ મૂળ ઉદ્દેશ્‍ય છે. પરંતુ, ભુજના પ્રમુખસ્‍વામી નગર વિસ્‍તારમાં સામુહિક રીતે ફોર્મ વિતરણ કરાઈ રહ્યા છે. તે અંગે વ્‍હોટ્‍સ એપ ગ્રુપના માધ્‍યમથી મેસેજ અપાઈ રહ્યા છે. એટલે કામગીરીના પ્રથમ તબક્કામાં જ બીએલઓ ઘેર પહોંચી રહ્યા નથી. ફોર્મમાં વિગતો ભરવા અંગે લોકોમાં પૂરતી જાણકારી ન હોઈ એ વિશે પણ તલસ્‍પર્શી માહિતી અપાય એ જરૂરી છે. આ બધા વચ્‍ચે મુસ્‍લિમ બહુમતી ધરાવતા ગામોમાં પણ ગેર સમજ પ્રવર્તે છે કે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે કે નાગરિકતાના હક્ક અંગે સવાલ છે. પરિણામે લોકોમાં ખચકાટ છે. ૨૦૦૨ની મતદાર યાદી ને લક્ષ્યમાં રાખી આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્‍યારે કચ્‍છમાં બધા જ બીએલઓ સુધી ૨૦૦૨ ની આ મતદાર યાદી ન પહોંચી હોવાનો ગણગણાટ પણ થઈ રહ્યો છે.

(11:03 AM IST)