<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ગોંડલ યાર્ડમાં ગોંડલીયા લાલ મરચાની ૩ હજાર ભારીની આવક

માવઠાથી પલળેલા મરચાના એક મણના રૂા.૧ હજારથી ૧૫૦૦ અને સારા મરચાના સરેરાશ ૩ હજારથી રૂ.૩૫૦૦ ભાવ બોલાયો

ગોંડલ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની મોસમ શરૂ. મુહૂર્તમાં ૩ ભારીનો રૂ.૮૦૦૧ ભાવ બોલાયો હતો. પહેલા જ દિવસે ૩ હજાર ભારીની આવક થઇ હતી. સરેરાશ રૂ.૩૦૦૦ થી રૂ.૩૫૦૦ ભાવ બોલાયો છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૧: દેશ વિદેશ માં પ્રખ્‍યાત ગોંડલનાં ગોંડલીયા મરચાની સિઝન શરુ થતા ગોંડલ માર્કેટ યાર્ડ માં સૌ પ્રથમ ૩૦૦૦ ભારી ની આવક સાથે મરચાની આવકનાં શ્રીગણેશ થયા છે.

ગત સવારે યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી, આસિસ્‍ટન સેક્રેટરી હિતેશભાઈ સાવલીયાની ઉપસ્‍થિતિમાં મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. હરરાજીમાં મુહૂર્તમાં ૧૮૯૩ મરચાની ૩ ભારી ના ૨૦ કિલોના ભાવ રૂ. ૮,૦૦૧ સુધીના ભાવ બોલાયો હતો. ભુણાવા ગામના વિપુલભાઈ વોરા નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ મળ્‍યો હતો. જયારે  યાર્ડમાં બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો. યાર્ડમાં મરચાની હરરાજીમાં સારા માલના સરેરાશ ભાવ ૩૦૦૦ થી લઈ ૩૫૦૦ સુધીના ભાવ બોલાયા હતા.

આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટા ભાગનાં મરચાનાં પાકમાં નુકસાન થવા પામ્‍યું છે.ત્‍યારે  યાર્ડમાં આવેલ મરચાની આવકમાં મોટા ભાગનાં મરચાનો પાક ડેમેજ હોવાના કારણે ભાવ નીચો ગયો હતો.ડેમેજ મરચાની ભારીનો ભાવ રૂ.૧૦૦૦ થી રૂ.૧૫૦૦ સુધીનો ભાવ બોલાયો હતો.

સમગ્ર સૌરાષ્‍ટ્ર માંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતા હોય છે. બીજી બાજુ  રાજસ્‍થાન, યુ.પી, એમ.પી, તેલંગાણા, કેરેલા, સહિતના રાજ્‍યો માંથી વેપારીઓ માલ ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવે છે.આમ ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્‍યાત છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો પોતાનો મરચાનો પાક સુકવી ને લાવે તેવી અપીલ કરવામાં આવી હતી.

(11:36 AM IST)