<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

પત્‍નિ સાથે ડખ્‍ખો કરતાં વૃધ્‍ધને સાળાઓએ પતાવી દીધા

ગોંડલ વોરા કોટડા રોડ પર રહેતાં ૬૦ વર્ષના દિનેશભાઇ સોલંકી પત્‍નિ રતનબેન સાથે ઝઘડો કરી ઘર છોડી નીકળી ગયા હતાં: અમરેલીના અરજણસુખ ગામે કુટુંબી ભાણેજના ઘરે હતાં ત્‍યાં આઠ જણા કુહાડા, પાઇપથી તૂટી પડયાઃ રાજકોટમાં વૃધ્‍ધે દમ તોડયો : મૃતકના પાંચ સાળા ચલાલાના કાનજી, રાજકોટના નાનો, ગારીયાધારના હકુ, ભેંસાણના બાઘો અને શાપરના જદુરામ તથા ત્રણ અજાણ્‍યા સામે ફરિયાદ દાખલ : અમરેલીના અરજણસુખની ઘટનાઃ વૃધ્‍ધના પગ કુહાડાના ઘાથી નોખા પડી ગયા હતાં: થેલામાં નાંખી હોસ્‍પિટલે લઇ ગયા : હત્‍યા કરાનારાઓએ ભાણેજને ફોન કરી બહેનને લઇ અરજણસુખ ગામે આવવા કહ્યું: આ બધા કુકાવાવ પાટીયે હતાં ત્‍યાં હુમલો કરી મામા સહિતના ભાગી ગયા

 

રાજકોટ તા. ૧૨: ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતાં વૃધ્‍ધ પત્‍નિ સાથે ઝઘડો કરી એક દોઢ મહિનાથી ઘર છોડીને જતાં રહ્યા હતાં. દરમિયાન તે અમરેલીના અરજણસુખ ગામે ગઇકાલે પોતાના કુટુંબી ભાણેજના ઘરે હતાં આ વૃધ્‍ધાના સાળાઓ સહિત આઠ જણાએ ત્‍યાં  પહોંચી પોતાની બહેનને અરજણસુખ ગામે લઇ આવવા અને સમાધાનની વાત માટે આવવા ભાણેજોને ફોન કર્યો હતો. આ લોકો ગોંડલથી અરજણસુખ ગામે જઇ રહ્યા હતાં અને ત્‍યાં પહોંચે એ પહેલા જ પાંચ સાળાઓ પોતાના બનેવી પર કુહાડા પાઇપના ઘા ઝીંકી ભાગી ગયા હતાં. તેની સાથે અન્‍ય ત્રણ અજાણ્‍યા પણ સામેલ હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્‍ધે રાજકોટમાં મોડી રાતે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો. વૃધ્‍ધ પોતાના પત્‍નિ સાથે વારંવાર ડખ્‍ખા કરતાં હોઇ તે કારણે પોતાની બહેનનું ઉપરાણું લઇને પાંચ ભાઇઓએ બનેવીને ઢાળી દીધાનું ખુલ્‍યું છે. હુમલામાં આ વૃધ્‍ધના પગ કુહાડાના ઘાથી નોખા પડી ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલના વોરા કોટડા રોડ પર વિજયનગરમાં રહેતાં દિનેશભાઇ વનાભાઇ સોલંકી (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધ ગઇકાલે સાંજે અમરેલીના અરજણસુખ ગામે પોતાના કુટુંબી ભાણેજ ભરતભાઇ જીણાભાઇ રાઠોડના ઘરે હતાં ત્‍યારે તેના પાંચ સાળાઓ ચલાલાનો કાનજી મેરામ સાવરીયા, રાજકોટ વેલનાથપરાનો નાનો મેરામ, ભેંસાણનો બાઘો મેરામ, શાપરનો જદુરામ મેરામ અને ગારીયાધારનો બાઘો મેરામ તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો કાર લઇને અરજણસુખ ગામે આવ્‍યા હતાં.

આ પાંચેય સાળાઓએ પોતાના બનેવી દિનેશભાઇ સોલંકી સાથે સમાધાનની વાતચીત ચાલુ કરી હતી. એ પહેલા પાંચેયએ ગોંડલ રહેતાં ભાણેજોને ફોન કરી પોતાની બહેન રતનબેનને સાથે લઇ અરજણસુખ ગામે આવવા અને સમાધાનની વાત કરવા બોલાવ્‍યા હોઇ દિનેશભાઇના પુત્ર પંકજભાઇ સહિતના પણ પોતાના માતા રતનબેનને સાથે લઇ અરજણસુખ ગામે જવા રવાના થયા હતાં.  પંકજભાઇ સહિતના કુકાવાવ પાટીયે પહોંચ્‍યા ત્‍યારે મામા સાથે ફોનમાં વાત ચાલુ હતી. આ વખતે પંકજભાઇ સહિતે મારામારી થતી હોય તેવો દેકારો ફોનમાં સાંભળ્‍યો હતો. આથી તેણે ગભરાઇને ફોન મુકી દીધો હતો.

આ પછી પંકજભાઇને ખબર પડી હતી કે તેના પિતા દિનેશભાઇ ઉપર પાંચ મામા સહિત આઠ જણા કુહાડા પાઇપથી હુમલો કરી ભાગી ગયા છે અને પિતા દિનેશભાઇને  કુટુંબી ભાણેજના પત્‍નિ મનિષાબેન ભરતભાઇ રાઠોડે અમરેલી હોસ્‍પિટલમાં  અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ વહેલી દિનેશભાઇએ દમ તોડી દીધો હતો. હુમલાખોરોએ કુહાડાના એવા ઘા માર્યા હતાં કે દિનેશભાઇના પગ નોખા પડી ગયા હતાં. એવી હાલતમાં તેમને અમરેલી અને બાદમાં રાજકોટ ખસેડાયેલ. અહિ મૃત્‍યુ થતાં  બનાવ હત્‍યામાં પરિણમતા હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, અમૃતભાઇમકવાણા સહિતે જાણ કરતાં અમરેલી પોલીસે રાજકોટ આવી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટના સમયે હાજર મનિષાબેન ભરતભાઇ રાઠોડની ફરિયાદ પરથી પોલીસે હત્‍યાનો ભોગ બનેલા પાંચ સાળા કાનજી, હકુ, જદુરામ, બાઘો અને નાનો અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે હત્‍યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

હત્‍યાનો ભોગ બનનાર દિનેશભાઇ સોલંકી ગોંડલમાં પગીપણું કરી ગુજરાન ચલાવતાં હતાં. તે ત્રણ બહેન અને છ ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. પત્‍નિ રતનબેન સાથે તેને માથાકુટ ચાલતી હોઇ તે એક દોઢ મહિના પહેલા પત્‍નિ સાથે મારામારી કરી ભાગી ગયા હતાં. આ કારણે સાળાઓએ મનદુઃખ રાખી હુમલો કર્યાનું અને હત્‍યા નીપજાવ્‍યાનું ખુલ્‍યું છે. ડીવાયએસપી ચિરાગ દેસાઇની રાહબરીમાં તપાસ શરૂ થઇ છે.  (૧૪.૫)

(11:02 AM IST)