<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

મીઠાપુરમાં ટેપ વગાડવા બાબતે બઘડાટી

જામ ખંભાળિયા તા. ૧ર :..   સુરજકરાડી ગામે રહેતા કાનાભાઈ ઉર્ફે કાયો રામાભા માણેક નામના ૨૧ વર્ષના હિન્‍દુ વાઘેર યુવાન તેમની દુકાને જયરાજભા સાથે ટેપ વગાડી રહ્યા હતા. તે દરમિયાન આ જ વિસ્‍તારમાં રહેતા કરીમ ઉર્ફે કાલીયો જુમા ભીખલાણી નામનો શખ્‍સ અહીં આવ્‍યો હતો અને ગાળાગાળી કરી હતી. આ પછી આવેલા અન્‍ય આરોપીઓ નજમાબેન કરીમ ભીખલાણી, અજીજ અને સરહાન નામના કુલ ચાર શખ્‍સોએ એકસંપ કરી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ   ગાળો કાઢી, ફરિયાદી કાનાભા ઉપરાંત સાહેદ દેવીસંગભા અને વિપુલભાને બેફામ માર મારી ઇજાઓ કર્યાની અને જો તે ફરીથી દુકાન ખોલવા આવશે તો છરી મારીને મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

જ્‍યારે સામા પક્ષે આ જ વિસ્‍તારમાં કાનાભા માણેકની દુકાનની બાજુમાં રહેતા નજમાબેન કરીમભાઈ જુમાભાઈ ભીખલાણી (ઉ.વ. ૩૭) એ કાનાભા, જયરાજભા, કાનાભાના માતા, બહેન અને જયરાજભાના માતા સહિત છ વ્‍યક્‍તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી કાનાભા અને જયરાજભા પોતાની દુકાને ઉંચા વોલ્‍યુમથી ટેપ વગાડી રહ્યા હતા.

જેથી ફરિયાદી નજમાબેનના પતિ કરીમભાઈ જુમાભાઈએ તેમને ના પાડી હતી. આથી ઉશ્‍કેરાયેલા આરોપીઓએ બિભત્‍સ ગાળો કાઢી, કરીમભાઈ ભીખલાણી સાથે ઝપાઝપી કરી, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મીઠાપુર પોલીસે સામસામા પક્ષે મહિલાઓ સહિત કુલ ૧૦ વ્‍યક્‍તિઓ સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:33 AM IST)