<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

જેતપુરમાં ધોરાજી રોડનું રેલ્‍વે ફાટક ખોલવા મહિલાઓનું આંદોલન

જેતપુર તા. ૧૧ :..  શહેરના ધોરાજી રોડ પર છેલ્લા પાંચેક વર્ષથી રેલ્‍વે ફાટક પર ફલાયઓવરના નિર્માણનું કામ ચાલુ હતું. આ ફલાયઓવરનું કામ પૂર્ણ થતાં દિવાળીના દિવસે ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયા દ્વારા ફલાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. એકબાજુ ફલાયઓવર બ્રિઝનું લોકાર્પણ થવાની સાથે જ રેલ્‍વે ઓથોરિટી દ્વારા ફાટક કાયમ માટે બંધ કરી દીધું. ફાટક બંધ થતાં જ ફાટક બાદ આવેલ આઠથી દસ જેટલી સોસાયટીના રહેવાસીઓએ તેના વિસ્‍તારમાં અવરજવર માટે ફલાયઓવર પૂર્ણ કરી સર્વિસ રોડ પરથી ફરી જવું પડે છે.

અને બીજું ફાટક બંધ થતાં સ્‍થાનિકોને અવરજવર માટે રીક્ષા ભાડું પેલા વીસ રૂપિયા હતા તે હવે ૧૦૦ રૂપિયા થઈ ગયા. કેમકે ફલાયઓવર પૂર્ણ કરીને જવું પડતું હોય અને રીટર્ન ભાડું પણ મળતું ન હોય રીક્ષા ચાલકોએ ભાડું વધારી દીધું.

  ફલાયઓવર પરથી જવામાં ત્‍યાં અકસ્‍માતનો ભય રહેલો છે કેમ કે ફલાયઓવર પરથી વાહનો પુરપાટ ઝડપે પસાર થાય છે એટલે સર્વિસ રોડ પર ચડાવ ઉત્તર બંનેમાં અકસ્‍માત સર્જાય શકે અને બાળકો તો એકલા સ્‍કૂલે જવા આવવા ફલાયઓવર પરથી પસાર પણ નથી થઈ શકતા.

અને સ્‍થાનિકો કોઈ બીમાર થાય તો તેઓને હોસ્‍પીટલ લઈ જવા માટે પણ મુશ્‍કેલી ઉભી થાય છે. આટલી મુશ્‍કેલીઓ હોવાથી સ્‍થાનિકોએ રેલ્‍વે તંત્રને ફાટક ખોલવાની રજુઆત કરી હતી. તેમ છતાં ફાટકપ્રશ્ને રેલ્‍વે ઓથોરિટી દ્વારા કઈ પગલાં ન લેવાતા આજે ફાટક બાદના વિસ્‍તારની મહિલાઓ રેલ્‍વેના પાટા પર બેસી ફાટક ખોલવાની માંગ સાથે રેલ રોકો આંદોલન શરૂ કર્યું.

     મહિલાઓ પાટા ઉપર બેઠેલ હોય અને ટ્રેન આવવાની તૈયારી હોય સ્‍થાનિક પોલીસ તંત્રને જાણ થતાં જેતપુર સીટી, ઉદ્યોગનગર, તાલુકા અને રેલ્‍વે પોલીસના ધાડા ઉતરી પડ્‍યા હતાં. અને આંદોલન કરનારી મહિલાઓ જ હોય ત્રણેય પોલીસ સ્‍ટેશનમાંથી મહિલા પોલીસને પણ બોલાવવા માં આવેલ અને ટ્રેન આવવાની જ હોય એટલે મહિલાઓને પોલીસ દ્વારા જે કઈ રજુઆત હોય તે પાટા પરથી ઉઠી બાજુમાં આવીને કરો તેમ સમજ આપી રેલ રોકવી તે ગંભીર પ્રકારનો ગુન્‍હો હોવાનું પણ સમજાવતા મહિલાઓ પાટા પરથી હટી ગઈ હતી. પરંતુ પોલીસ તંત્રને ફાટક ખોલવાની ઉગ્ર રજુઆત કરતા ઉચ્‍ચારેલ કે આજે ભલે અમો ઉભા થઇ ગયા પરંતુ એક બે દિવસમાં ફાટક નહિ ખોલવામાં આવે તો રેલ રોકવાનું આંદોલન કરશું જ તેવી ચીમકી ઉચ્‍ચારી હતી

 

(12:32 PM IST)