<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

કાલે જામનગરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ આયોજિત ૨૭મા સમૂહલગ્નમાં ૨૧ નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડશે

લાલપુર બાયપાસ રોડ સ્થિત ખોડલ ગ્રીન સમાજવાડી ખાતે યોજાનાર ભવ્ય સમારોહમાં જ્ઞાતિ પ્રતિભા સન્માન અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ઃ જામનગર સ્થિત શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ, લેઉવા પટેલ સમૂહલગ્ન સમિતિ તથા લેઉવા પટેલ મિત્રમંડળ, જામનગરના સંયુક્ત ઉપક્રમે સમાજને ઍક નવી દિશા આપતા ૨૭મા ભવ્ય સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનારા આ સમારોહમાં કુલ ૨૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની શાનદાર શરૂઆત કરશે.
 આ ભવ્ય આયોજન જામનગરના લાલપુર બાયપાસ રોડ પર, શ્રીજી પાર્કની બાજુમાં અને જિલ્લા પંચાયત કર્મચારીનગર પાછળ આવેલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નારણભાઈ માંડાભાઈ વિરાણી સમાજવાડી (ખોડલ ગ્રીન) ખાતે કરવામાં આવ્યું છે. આયોજક ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ, આ સમૂહલગ્નમાં જામનગર, રાજકોટ તથા સુરતના નવદંપતિઓ પણ જોડાશે. આ અવસર માત્ર લગ્નોત્સવ પૂરતો સીમિત ન રહેતા, તેની સાથે જ્ઞાતિની ૧૦ તેજસ્વી પ્રતિભાઓનું સન્માન અને ઍક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરી આયોજકોઍ સમાજસેવાનો ત્રિવેણી સંગમ રચ્યો છે.
આ બે દિવસીય ભવ્ય આયોજનની રૂપરેખા આપતા આયોજકોઍ જણાવ્યું હતું કે, સમૂહલગ્નના આગલા દિવસે ઍટલે કે આજે બપોરે ૩ઃ૦૦ વાગ્યે પવિત્ર ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાદ સાંજે ૬ઃ૦૦ વાગ્યે ભોજન સમારંભ યોજાશે. લગ્નના મુખ્ય દિવસે આવતીકાલે વહેલી સવારે ૦૫ઃ૩૦ કલાકે જાન આગમનનો કાર્યક્રમ શરૂ થશે. ત્યારબાદ બપોરે ૧૧ઃ૩૦ કલાકે મુખ્ય ભોજન સમારંભ અને બપોરે ૦૧ઃ૩૦ કલાકે કન્યા વિદાયનો ભાવસભર કાર્યક્રમ યોજવામાં આવશે. 

 

(1:12 PM IST)