News of Thursday, 13th November 2025
JCC હાર્ટ હોસ્પિટલનો સત્તાવાર ખુલાસો : PMJAY યોજનાની ગેરરીતિ બદલ ડૉ. પાર્શ્વ વ્હોરાને બરતરફ કરાયા, કાયદેસરની કાર્યવાહી થશે
હોસ્પિટલ સંચાલકોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું - ડૉ. પાર્શ્વ વ્હોરાએ અંગત સ્વાર્થ માટે ગેરરીતિઓ આચરી, આઈડી-પાસવર્ડનો દુરુપયોગ કરી હોસ્પિટલના ઈમેલ સહિતનો ડેટા નષ્ટ કર્યો : ભૂલ સ્વીકારી માફીનામું આપ્યું હોવા છતાં છેતરપિંડી ચાલુ રાખતાં ૩ નવેમ્બરથી છૂટા કરાયા

જામનગર, મુકુંદ બદીયાણી દ્વારા, તા. ૧૩ નવેમ્બર, ૨૦૨૫, ગુરુવાર : જામનગરની JCC હાર્ટ હોસ્પિટલ માં PMJAY યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત થયેલી કથિત ગેરરીતિઓના મામલે હોસ્પિટલના વર્તમાન સંચાલક ડૉક્ટરોએ સત્તાવાર પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો હતો. મેનેજમેન્ટે ડૉ. પાર્શ્વ વ્હોરા દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓ બદલ તેમને બરતરફ કર્યાની માહિતી આપી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.
ગેરરીતિ અને કાર્યવાહીનો ઘટનાક્રમ
હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું કે, ડૉ. પાર્શ્વ વ્હોરાના પરિવારજનોનો હોસ્પિટલમાં મોટો હિસ્સો હતો અને ડૉ. પાર્શ્વ વ્હોરા છેલ્લા દોઢ વર્ષથી હોસ્પિટલ સાથે જોડાયેલા હતા.
* દુરુપયોગ: ડૉ. પાર્શ્વ વ્હોરા તેમના અંગત સ્વાર્થ માટે તમામ આઈ.ડી., પાસવર્ડ અને ઈમેઇલ ઍક્સેસ પોતાની પાસે રાખતા હતા. તેનો ફાયદો ઉઠાવી તેમણે ગેરરીતિઓ આચરી હોવાનું ધ્યાને આવ્યું હતું.
* નોટિસ અને માફીનામું: મેનેજમેન્ટને આ અંગે શંકા જતાં તા. ૨૨/૮/૨૦૨૫ ના રોજ તેમને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. પાર્શ્વ વ્હોરાએ પોતાની ભૂલ સ્વીકારીને માફીનામું પણ આપ્યું હતું.
* ડેટા નષ્ટ: આ સમયગાળા દરમિયાન ડૉ. પાર્શ્વ વ્હોરાએ હોસ્પિટલની યોજનાના ઈમેલ અને અન્ય સાહિત્ય નષ્ટ કરી દીધા હોવાનું તેમજ પાસવર્ડ બદલી નાખ્યા હોવાનું પણ મેનેજમેન્ટના ધ્યાને આવ્યું હતું.
* બરતરફી: છળકપટ અને વધુ ગેરરીતિઓની પરિસ્થિતિનું નિર્માણ થતાં નાછૂટકે મેનેજમેન્ટે તેમને નોટિસ પિરિયડ આપીને તા. ૩/૧૧/૨૦૨૫ થી JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાંથી બરતરફ કર્યા હતા અને તેમની પાર્ટનરશીપ પણ છૂટી કરી દેવામાં આવી હતી.
સંચાલકોએ સ્પષ્ટતા કરી કે, શરૂઆતમાં કોઈ ડૉક્ટરની છબી ન ખરડાય તે માટે માત્ર ઠપકો આપીને તેમને સમજાવીને છોડી દીધા હતા. જોકે, તેમના દ્વારા સતત છેતરપિંડી અને વધુ ગેરરીતિઓ આચરવામાં આવતાં, હોસ્પિટલની છબી ખરડાઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી, ન્યાયના હિતમાં હવે ડૉ. પાર્શ્વ વ્હોરા સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
