News of Thursday, 13th November 2025
કચ્છના વાંઢીયા ગામે અદાણી કંપની અને ખેડૂત વિવાદ: ભારતીય કિસાન સંઘની ચેતવણી હાઇ ટેન્શન વીજ લાઇનથી કચ્છની ખેતી અને ખેડૂતને આર્થિક મોટું નુકસાન:જુઓ વિડીયો
કંપનીનો ખુલાસો તંત્ર દ્વારા નક્કી કરાયેલ વળતર આપવા તૈયાર પણ નુકસાન વધુ હોઈ કિસાન સંઘ કહે છે બજાર કિંમતે વળતર અપાય, સ્થળ ઉપર અદાણી કંપનીના અધિકારીઓ દ્વારા મીડિયા સાથે ગેર વર્તણૂંક કરાયાનો મુદ્દો ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે ખેતરો વચ્ચેથી ૭૬૫ કેવી ની હાઇ ટેન્શન વીજલાઈન પસાર કરવા વીજ ટાવર ઉભા કરવા મુદ્દે અદાણી કંપની અને ખેડૂતો વચ્ચે ૩ મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ વચ્ચે અદાણી કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેતરમાંથી વીજ ટાવર વળતર અંગે નારાજ ખેડૂતોનો આક્ષેપ છે કે પોલીસ અને તંત્ર દ્વારા દબાણ લાવી કામ કરવામાં આવે છે અને વિરોધ કરીએ તો પોલીસ અટકાયત કરે છે. ગઈકાલે બુધવારે ખેડૂતોની અટકાયત કરાયા બાદ આજે ગુરુવારે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન મહાસભા નું આયોજન કરી ધરણા રાખવામાં આવ્યા હતા. ભારતીય કિસાન સંઘના કચ્છના આગેવાન અને લડત સમિતિના કન્વીનર શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે આજે ૨૦૦ થી વધુ ખેડૂતોની સવારથી જ અટકાયત કરી દેવાઈ હતી. ખેડૂતો મહાસભામાં વાંઢીયા ન પહોંચી શકે એટલે નાકાબંધી કરી દેવાઈ હતી.
ખેડૂતો ઉદ્યોગીકરણના વિરોધી નથી એવું કહેતા શિવજીભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર લડતનો મુખ્ય મુદ્દો ખેતીની જમીનમાં વીજ ટાવર ઉભા કરી ૭૬૫ કેવી ની હાઈ વોલ્ટેજ વીજ લાઈન ઊભી કરાય તો તેનું પૂરું વળતર ખેડૂતોને મળવું જોઈએ. કારણકે, હેવી વીજ લાઈન થકી ખેતીને ભવિષ્યમાં નુકસાન છે વળી ખેતરની વચ્ચે મોટા વીજ ટાવર ઉભા થવાના કારણે ખેતરની જમીન ની વેલ્યુ ઘટી જવાની છે. આ મુદ્દો અદાણી કંપનીએ સમજી બજાર કિંમત પ્રમાણે વળતર આપવું જોઈએ.
આ સમગ્ર વિવાદ અંગે અદાણી કંપની દ્વારા ઇમેઇલ મોકલી આ પ્રમાણે સ્પષ્ટતા કરાઈ છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ (AESL) રાષ્ટ્રીય વીજ ગ્રીડના એક મહત્વપૂર્ણ ટ્રાન્સમિશન કોરિડોરનો અમલ કરી રહી છે , જે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગામડાઓમાંથી પસાર થાય છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગ રૂપે, AESL એ સરકારી નીતિ અનુસાર અસરગ્રસ્ત જમીનમાલિકો માટે વાજબી વળતર નક્કી કરવા માટે જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો , જેમણે તમામ હિસ્સેદારો સાથે અનેક રાઉન્ડની સુનાવણી પછી , વળતર નક્કી કર્યું અને AESL ને કામ ચાલુ રાખવાની મંજૂરી આપી. તે મુજબ , AESL સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા અસરગ્રસ્ત જમીનમાલિકોને વળતર ચૂકવી રહ્યું છે.
જોકે, જમીનમાલિકો સરકારી નીતિ દ્વારા ફરજિયાત કરતાં વધુ વળતરની માંગ કરી રહ્યા છે ઉપરાંત કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો કરી રહ્યા છે. આજે , અમારી ઓન-ગ્રાઉન્ડ ટીમને ભૌતિક નુકસાનની ધમકી આપવામાં આવી હતી અને કેટલાક બાહ્ય સ્વાર્થી હિતોએ ચાલુ કામ અટકાવ્યું હતું , જેઓ હવે જમીનમાલિકોને ઉશ્કેરી રહ્યા છે.
AESL જમીનમાલિકો સાથે જોડાવા અને કાયદા હેઠળ વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા સંપૂર્ણ વળતર ચૂકવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
દરમ્યાન શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે, અમારો વિરોધ શાંતિ પૂર્ણ છે. ભારતીય કિસાન સંઘ વર્ષોથી કચ્છમાં કાર્યરત છે અને કિસાનોના હિત માટે ખૂબ જ જાગૃત રીતે કામ કરતી સંસ્થા છે. કંપની દ્વારા તંત્ર તેમ જ પોલીસની મદદથી ખેડૂત પુરુષો અને મહિલાઓ સામે દાદાગીરી કરી અટકાયત કરાય છે. તંત્ર સાથેની બેઠક અંગે ભારતીય કિસાન સંઘ, તેમ જ ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટર અને કંપનીએ બેઠક કરી હોવાની વાત અંગે શિવજીભાઈ કહે છે કે, અહીં બધા ખેડૂત પરિવારો હોઈ અમે સ્પષ્ટ પણે ખેતીને થનારા નુકસાન અને ખેતરની જમીનની ઘટતી કિંમત અંગે રજૂઆત કરી બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી છે. પરંતુ જો આપણે ખેડૂતોની ચિંતા નહીં કરીએ અને આવું જ ચાલ્યા કરશે તો કચ્છમાં ખેતી નામશેષ થઈ જશે એવી દહેશત પણ આ ખેડૂત આગેવાને વ્યક્ત કરી છે.
દરમ્યાન આજે વાંઢીયા ગામે અદાણી કંપનીના કેટલાક અધિકારીઓ દ્વારા મીડિયા સાથે ગેર વર્તન કરાયું હોવાનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
