News of Friday, 14th November 2025
પોરબંદરમાં સરદાર પટેલની ૧પ૦મી જયંતી અવસરે કાલે એકતા પદયાત્રા
રવિવારે માધવપુરમાં બીજી એકતા પદયાત્રાઃ જિલ્લાની બન્ને પદયાત્રામાં લોકોને ઉપસ્થિત રહેવા કલેકટર એસ.ડી. ધાનાણીનો અનુરોધ : પોરબંદર જિલ્લાની બન્ને એકતા પદયાત્રાનો મનસુખભાઇ માંડવિયા અને અર્જુનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૪: પોરબંદરમાં તા.૧૫ મીએ તેમજ તા. ૧૬મી એ માધવપુર ખાતે એકતા પદયાત્રા નું આયોજન સરદાર પટેલની ૧પ૦ મી જયંતી ઉજવણી હેઠળ કરેલ છે.
જિલ્લામાં બે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા માટે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
એકતા, અખંડિતતા અને સ્વદેશીના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો હેતુ સાથે યોજાનાર આ પદયાત્રામાં પોરબંદર લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો સહભાગી બનશે.
પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં શનિવાર, તા. ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે યોજાશે. બપોરે ૩:૩૦ કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટી ખાતે જિલ્લાના તમામ નાગરિકો, આગેવાનો અને હોદ્દેદારોને એકત્ર થવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ વિનંતી છે.
આ એકતા પદયાત્રા અંદાજિત ૭ થી ૮ કિલોમીટરમાં યોજાશે જે સાંજે ૪:૦૦ કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટીથી શરૂ થશે. ત્યાંથી આગળ વધતા કલેક્ટર બંગલો - પેરેડાઈઝ સર્કલ - હાર્મની સર્કલ - એમજી રોડ - સુદામા ચોક - ડ્રીમલેન્ડ સિનેમા - માણેક ચોક - કીર્તિ મંદિર થઈ શીતળા ચોક અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ભાવના ડેરી - અંબિકા સ્વીટ - હનુમાન ગુફા - બ્રહ્મ સમાજની વાળી થઈને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે આ પદયાત્રાનું સમાપન થશે.
આ પદયાત્રાના રૂટ પર ઠેર-ઠેર સ્વાગત કાર્યક્રમો, પ્લેટફોર્મ, સાંસ્કળતિક કાર્યક્રમો અને લોકોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદયાત્રામાં સાંદિપની વિદ્યાનિકેતન, નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન, ગ્રીન પોરબંદર, સંસ્કાર ભારતી , રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, ખારવા સમાજ, અંજુમન ઇસ્લામ સમાજ, વાલ્મિકી સમાજ, હિતેષભાઇ લાખાણી (ટિફિન સેવા) સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ આ પદયાત્રાનું વિવિધ સ્થળો પર સ્વાગત કરશે.
બીજી પદયાત્રા કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર માટેની પદયાત્રા રવિવાર, તા. ૧૬મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ કલાકે યોજાશે જેમાં મૂળ માધવપુરથી શરૂ થઈને તેની આસપાસના ગામો તેમજ કુતિયાણા અને પોરબંદર તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાશે.
સમગ્ર પોરબંદર શહેર અને જિલ્લાના તમામ નાગરિકો, આગેવાનો, હોદ્દેદારો અને સંસ્થાઓના પ્રતિનિધિઓને રાષ્ટ્રની એકતાના આ મહાયજ્ઞમાં જોડાઈ, પદયાત્રાનું સ્વાગત કરી, અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિક અપીલ કરવામાં આવે છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
