News of Friday, 14th November 2025
વળતર મુદ્દે જંત્રી ભાવ નક્કી કરી તંત્ર અદાણીની મદદગારી કરી રહ્યું કચ્છ કોંગ્રેસનો આક્ષેપ
વીજળી વેંચી અદાણી કંપની આજીવન નફો કમાવશે જ્યારે ખેડૂતોની ખેતીને કાયમી નુકસાન થતાં આજીવન આવક ઘટશે, અન્ય જિલ્લાઓની જેમ કચ્છના ખેડૂતો બજાર ભાવ પ્રમાણે વળતર મેળવવા હકદાર : કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : કચ્છના વાંઢીયા ગામે અદાણી કંપની દ્વારા વીજ લાઇન અને વીજ ટાવરના કામ મુદ્દે ચાલતા વિવાદમાં કચ્છ કોંગ્રેસ ખેડૂતોની તરફેણમાં આગળ આવી છે. જન્મ જાત ખેડૂત અને કિસાન નેતા એવા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે ખેતીની જમીનના વળતર મુદ્દે કલેક્ટર તંત્ર અને અદાણી કંપની સામે આકરા પ્રહારો કર્યા છે. ૭૬૫ કેવી હાઇ પાવર વીજ લાઇન અને ટ્રાન્સમીશન લાઇન દ્વારા અદાણી કંપની વીજળી વેંચી નફો કરી કાયમી આવક મેળવશે. જ્યારે ખેતરની વચ્ચે થી પસાર થતી હાઇ પાવર વીજ લાઇન અને વીજ ટાવરથી ખેડૂત પોતાની ખેતીની આવક કાયમ માટે ગુમાવશે તેમ જ જમીનની બજાર કિંમત પણ ઘટશે. આ સંજોગોમાં અન્ય જિલ્લાઓમાં વીજ લાઇનના કામોમાં જ્યારે કલેક્ટર દ્વારા બજાર કિંમત નક્કી કરી ખેડૂતોને વળતર અપાય છે. એ જ પ્રમાણે કચ્છમાં કલેક્ટરે ખેડૂતોને બજાર ભાવ નક્કી કરી વળતર અપાવવું જોઈએ. ખેડૂતો ઉપર કરાતા દમન અને પોલીસ કાર્યવાહી સામે પણ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કરી ઝાટકણી કાઢી છે.
આ પહેલા પણ કચ્છ અને ગુજરાત કોંગ્રેસ આ ખેડૂતોની તરફેણમાં આગળ આવી ચૂકી છે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ અને પ્રદેશ આગેવાન લલિત કગથરા પણ વાંઢીયા ગામની મુલાકાત લઈ ખેડૂતોની લડતને ટેકો આપી ચૂક્યા છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
